મુંબઈ, તા.૩૦
અનિલ કુંબલેના નેતૃત્વવાળી આઈસીસીની ક્રિકેટ સમિતિએ રમતના પરંપરાગત ફોર્મટમાં ટોસ હટાવવા વિરૂદ્ધ નિર્ણય કરતા ટોસને રમતનું અભિન્ન અંગ ગણાવ્યું છે. જેનાથી ટેસ્ટ મેચમાં રમત પહેલા બેટિંગ અને ફિલ્ડીંગ નક્કી કરવા માટે આગળ પણ સિક્કાથી નિર્ણય થશે. પૂર્વ ભારતીયના નેતૃત્વમાં સમિતિએ ખેલાડીઓના વ્યવહાર સંબંધી ભલામણો કરી અને આઈસીસીએ આકરા પગલાં ભરવા તથા ખેલાડીઓ અને વિરોધી ટીમ વચ્ચે સન્માનની સંસ્કૃતિને જાળવી રાખવાની વકાલત કરી છે. આમાં બોલ ટેમ્પરીંગમાં સામેલ હોવા માટે આકરી સજાની વાત કહેવામાં આવી છે. જો કે ચર્ચાનો મુખ્ય વિષય હતો કે શું ટેસ્ટ મેચ દરમયાન ઘરેલું પરિસ્થિતિનો ફાયદો ઓછો કરવા માટે ટોસ (પ્રવાસ કરનારી ટીમને પસંદગીનો અધિકાર મળે) સમાપ્ત કરી દેવામાં આવે. આઈસીસીએ કહ્યું કે, સમિતિએ ચર્ચા કરી કે શું ટોસનો અધિકાર ફક્ત પ્રવાસ કરનારી ટીમને સોંપી દેવામાં આવે પણ બાદમાં અનુભવ્યું કે આ ટેસ્ટ ક્રિકેટનું અભિન્ન અંગ છે જે મેચની શરૂઆતમાં મેચની ભૂમિકા નક્કી કરે છે. જો કે સમિતિ આ વાત ઉપર સહમત થઈ કે યજમાન દેશે સારા સ્તરની પિચો તૈયાર કરવી જોઈએ.