(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨૭
એટીએમમાંથી બારોબાર રૂપિયા ૩.૨૨ લાખ ઉપાડી લેનાર ભેજાબાજ ઠગ ટોળકી વિરુદ્ધ મકરપુરા પોલીસ મથકે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીત વર્તુળો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર મકરપુરા એરફોર્સની પાછળ વ્રજધામ સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઇ વસંતભાઇ મિસ્ત્રી ખાનગી કંપનીમાં પ્લાંટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે. મકરપુરા સ્થિત બેંક ઓફ બરોડા શાખામાં ખાતુ ધરાવતા જીગ્નેશભાઇ મિસ્ત્રી તા.૮મી મેના રોજ પરત ઘરે જતા હતા ત્યારે માંડવી સ્થિત બેંક ઓફ બરોડાના એટીએમમાંથી પગારના નાણાં ઉપાડવા ઉભા રહ્યા હતા. એટીએમમાં કાર્ડ નાંખતા જ બેલેન્સ નથી તેવો સંદેશો આવી જતાં જીગ્નેશભાઇ મિસ્ત્રીએ તેમના સહકર્મી સ્નેહલ પટેલને ફોન કરી પુછપરછ કરી હતી કે પગાર થઇ ગયો છે. આથી સ્નેહલ પટેલે કહ્યું હતું પગાર થઇ ગયો છે. જીગ્નેશભાઇ મિસ્ત્રીએ એટીએમમાંથી મિની સ્ટેટમેન્ટ કાઢતા તેમાં રૂપિયા ૧૭૫૦૦ ઉપાડી લીધા હોવાની એન્ટ્રી પડી હતી. જીગ્નેશભાઇ મિસ્ત્રી આ એન્ટ્રી જોયા પછી ચોંકી ગયા હતા. બેંક ઓફ બરોડાના કસ્ટમર કેસના ટોલ ફ્રી નંબર પર ફોન કરી એટીએમ બ્લોક કરાવી દીધું હતું. બીજા દિવસે મકરપુરા પોલીસ મથકે જીગ્નેશભાઇ મિસ્ત્રીએ અરજી આપી હતી. પોલીસ મથકે જીગ્નેશભાઇ મિસ્ત્રીની જેમ અન્ય સાત શખ્સો પણ એટીએમમાંથી નાણા ઉપાડી લેવામાં આવ્યા અંગેની ફરિયાદ કરવા આવ્યા હતા. એટીએમમાંથી વારંવાર નાણાં ઉપાડી લેવાની ફરિયાદ કરનારાઓમાં મનોજકુમાર પ્રજાપતિ (એસબીઆઇ માણેજાની શાખા), નિમિષાબેન જહાંગીર કામદીન (એમસબીઆઇ માણેજા શાખા), વિનોદ તુલસીદાસ સચવાણી (એસબીઆઇ,માંજલપુર શાખા), અલ્પેશ શાહ (એસબીઆઇ, ઓએનજીસી શાખા),મુકેશકુમાર ચંપકલાલ વસાવા (એસબીઆઇ, માણેજા શાખા), ધ્રુવીભાઇ અરૂણભાઇ ઢોમશે (એસબીઆઇ, સુશેન સર્કલ)ના ખાતામાંથી બારોબાર નાણાં ઉપાડી ગયા હતા. મકરપુરા પોલીસ મથકે છેતરપિંડી અને વિશ્વાસઘાતના બનાવ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.