(સંવાદદાતા દ્વારા) હિંમતનગર, કેસરપુર, તા. ૪
સાબરકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરે પોતાના હજારો સમર્થકો સાથે રેલી સ્વરૂપે હિંમતનગર કલેક્ટર કચેરીએ જઈ આજરોજ ૧ વાગ્યે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
હિંમતનગર સહકારી જીનથી હજારો સમર્થકો સાથેની રેલી સહકારી જીનથી છાપરિયા, ટાવર ચોક થઈ બહુમાળી ભવન ખાતે પહોંચી હતી. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિર ખાતે પૂજા-અર્ચના કરી, કાંકણોલ ખાતે આવેલ સ્વામીનારાયણ મંદિરમાં પણ પૂજા-અર્ચના કરી મહંતના આશીર્વાદ લઈ વિજય મુહૂર્તના સમયે ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદારો, ધારાસભ્યો, અશ્વિન કોટવાલ, અનિલ જોષીયારા, પૂર્વધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મણીભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ કુંપાવત તેમજ કોંગી કાર્યકરો તથા સમર્થકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.