(સંવાદદાતા દ્વારા) પાટણ,તા.૭
“નૃપ થયો દયાહીન ધરા થઈ રસહીન” જેવી સ્થિતિ હાલ દુષ્કાળનો સામનો કરી રહેલ પાટણ જિલ્લાના સાંતલપુર, રાધનપુર અને સમી તાલુકાની થઈ છે. આ ત્રણેય તાલુકાના મોટાભાગના ગામોમાં પીવાના અને પશુધન માટે પાણી ઉપલબ્ધ નહીં બનતાં અંતરિયાળ ગામોની પ્રજા હિઝરત કરવા મજબુર બની છે. પશુધન માટે ઘાસડેપો ખોલવાની જાહેરાતો કરવામાં આવી છે પરંતુ પુરતા પ્રમાણમાં ઘાસને જથ્થો સરકારી તંત્ર દ્વારા પહોંચાડવામાં આવતો નથી. સરકાર અને વહીવટીતંત્ર દ્વારા કાગળો ઉપર એકશન પ્લાન ઘડી પાણી અને ઘાસચારા માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવાની જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિક સ્થિતિ તેનાથી વિપરીત હોવાનું આજે આ ત્રણેય અસરગ્રસ્ત તાલુકાના આગેવાનો, ખેડૂતો સાથે પાટણના પૂર્વ સાંસદ અને કોંગ્રેસ અગ્રણી જગદીશ ઠાકોરે કરેલી બેઠકો વખતે થયેલી રજૂઆતો સમયે પ્રકાશમાં આવી છે.
પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે આજે કોંગ્રેસના આગેવાનો સાથે પાટણ જિલ્લાના સાંતલપુર, રાધનપુર અને સમી તાલુકાના અછતગ્રસ્ત ગામોમાં છેલ્લા કેટલાક દિવીસોથી પાણી અને ઘાસચારાની ઊભી થયેલી વિકટ સ્થિતિનો ચિતાર મેળવવા ત્રણેય તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી અને સ્થાનિક પ્રજા સાથે બેઠકો કરી સરકાર દ્વારા અપાતી સહાય અંગે ચર્ચા કરી હતી ત્યારે સરકાર દ્વારા અછતગ્રસ્ત વિસ્તારો માટે કરવામાં આવેલી જાહેરાતો અને એકશન પ્લાનના દાવા માત્ર પોકળ સાબિત થયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
ત્રણે તાલુકાની મુલાકાત બાદ જગદીશ ઠાકોરે પત્રકારોને જણાવ્યું હતું કે, કેટલીક જગ્યાએ ત્રણ, પાંચ અને ૧૦ દિવસે પાણી મળે છે. પાણી પુરવઠા વિભાગ અને સરકારી તંત્રની મિલીભગતથી રાધનપુરમાં રીતસર પાણી વેચાણનો ધંધો ચલાવવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા પશુધનના નિભાવ માટે ઘાસડેપો ખોલવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ ખેડૂતોને ઘાસચારો મળતો નથી. પાણી અને ઘાસચારાના અભાવે પ્રજા હિઝરત કરી રહી છે છતાં ભાજપની દયાહીન સરકાર કોઈ જ કાર્યવાહી કરતી નથી.
રાધનપુરથી આંદોલનનું રણશિંગુ ફુંકવાની જાહેરાત કરી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, બુધવારે કોંગ્રેસના સ્થાનિક આગેવાનો મામલતદારને મળી રજૂઆત કરશે. ઘાસડેપો ઉપર હલ્લાબોલ કરી ચાલો ઘાસ લેવા ડેપો ઉપરનો કાર્યક્રમ અપાશે. જેમાં સરકાર દ્વારા જે ખેડૂતોને ઘાસકાર્ડ અપાયા છે. તેવા પશુપાલક ખેડૂતો ઘાસ લેવા જશે. બીજા દિવસે મામલતદાર કચેરી ખાતે ધરણા અને ત્યારબાદ ધારાસભ્યો અને આગેવાનો પાટણ ક્લેક્ટર કચેરીએ ધરણા કરશે તેમ છતાં ગામોમાં પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ત્રણે તાલુકાની પ્રજાને રાખી વિશાળ વાહન રેલી યોજી પાટણ કલેક્ટર કચેરીમાં ધરણા કરવાની ચીમકી આપી હતી.