(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૮
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમના આખાબોલા સ્વભાવ અને ગમે તેમ નિવેદનો આપવાને કારણે સતત ચર્ચામાં જ રહેતા હોય છે તો કયારેક કયારેક તેમના નિવેદનોથી વિવાદ પણ ઉભો થતો રહે છે. આવો જ વધુ એક બનાવ બન્યો છે જેમાં નીતિન પટેલને ગાંધીનગરના ૬૮ ગામના ખેડૂતો જમીન પ્રશ્ને રજૂઆત કરવા આવ્યા ત્યારે ડે.સી.એમ.એ તેઓને જણાવ્યું હતું કે, ઠાકોર અને હરિજનોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે અને તેના માટે કોંગ્રેસ ખર્ચ કરી રહી છે. સુપ્રીમકોર્ટની હરિજન શબ્દના પ્રયોગ સામે મનાઈ હોવા છતાં તેમના દ્વારા આ શબ્દનો પ્રયોગ કરવા સાથે ઉપરોકત નિવેદન આપતા ફરી એક વિવાદનો મધપૂડો છેડાયો છે. નીતિન પટેલ સાથે થયેલા સંવાદોનું એક ખેડૂત દ્વારા પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડિંગ કરી લેવાતા તે વાઈરલ થયેલ છે. જેમાં નીતિન પટેલે ગુજરાતમાં ઘટી રહેલી ઘટનાઓ માટે કોંગ્રેસ દોષિત હોવાનો આરોપ મુકતા કહ્યું હતું કે પાટીદાર આંદોલન પણ વિધાનસભાની ચૂંટણીના મતદાન દિવસ સુધી ચાલશે અને ત્યાર બાદ બધુ શાંત થઈ જવાનું છે. આમ પાટીદારો પણ ચૂંટણીલક્ષી આંદોલન ચલાવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ વીડિયો અંગે દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે વર્ષો પહેલા કડીમાં દલિતો ઉપર થયેલા હુમલામાં નીતિન પટેલની ભૂમિકા શંકાસ્પદ હતી તે ઉત્તર ગુજરાતના દલિતો સારી રીતે જાણે છે તેમણે દલિત અને ઠાકોર માટે કરેલા ઉચ્ચારણોનો જવાબ ઠાકોર અને દલિતો ચૂંટણીમાં મતદાનના દિવસે આપશે તેમ ઉમેર્યું હતું.
જયારે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે આ અંગે જણાવ્યું હતું કે નીતિન પટેલનું નિવેદન નાયબ મુખ્યમંત્રીના પદને શોભા આપે તેવું નથી. આ આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે અને કોંગ્રેસ ફંડ આપે છે તે વાતમાં વજુદ નથી. આ એક સ્વયંભૂ આંદોલન છે. ઠાકોર શિક્ષણ રોજગારી અને વ્યસન મુકિતની માગણી કરે તેને જો નીતિન પટેલ ઉશ્કેરણી ગણતા હોય તો તે કામ કાયમ માટે થવાનું છે.
જયારે પાટીદાર મહિલા આગેવાન રેશ્મા પટેલે આ મુદ્દે જણાવ્યું હતું કે પાટીદાર આંદોલન એ સમાજની પીડાનું પ્રતિબિંબ છે જેમાં લાખોની સંખ્યામાં લોકો જોડાયેલા છે. સ્વાભાવિક વાત છે કે જયારે પણ લોક આંદોલન થાય ત્યારે તેનો ફાયદો વિપક્ષને થતો હોય છે. જેથી આ આંદોલન કોંગ્રેસ ચલાવી રહ્યું છે તેવું કહેવું વ્યાજબી નથી. નીતિન પટેલના નિવેદનનો જવાબ પ્રજા પોતાની રીતે મતદાન દ્વારા આપશે. પ્રજા કોઈના કહેવાથી મત આપતી નથી. ભાજપ પાટીદારોની માગણી સ્વીકારે તો આંદોલન આપમેળે બંધ થઈ જશે. પછી કોંગ્રેસની ઉશ્કેરણીનો પ્રશ્ન જ નહીં ઉદભવે.