અમદાવાદ, તા.ર
અમદાવાદ શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલી તૃપ્તિ હોટલને ઠંડા પીણા પર વધારે કિંમત લેવા બદલ રૂપિયા આઠ હજારનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત પેકેટ પર વિગતો નહીં દર્શાવવા બદલ ચાંગોદરની બેકરીને પ૦ હજારનો દંડ, દાણીલીમડાની બેકરીને રપ હજારનો દંડ ફટકારેલ છે. શહેરની હોટલ અને રેસ્ટોરન્ટો ઠંડા પીણા પર વધારે કિંમત લેતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. તોલમાપ વિભાગ દ્વારા સમયાંતરે કાર્યવાહી પણ થાય છે. આમ છતાં વેપારીઓ ભાવ વધારો લેવાનું ચાલુ રાખે છે. તોલમાપ વિભાગના ઈન્ચાર્જ મદદનીશ નિયંત્રક એમ.વી.પટેલે કહ્યું હતું કે કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ગેટ નં.૩ પાસે આવેલી તૃપ્તિ રિફ્રેશમેન્ટ એન્ડ હોસ્પિટાલિટીની અંદર ઠંડા પીણા પર રૂપિયા બે વધારે લેવાય છે. જેની ફરિયાદ મળતા ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને રૂા.આઠ હજારનો દંડ ફટકાર્યો હતો. સૈજપુર બોઘાના વૈશાલી પાર્લરમાં અમૂલ ગોલ્ડ અને છાશના પેકેટ પર એમઆરપી કરતાં એક રૂપિયો વધારે લેવાતો હતો તેની સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ ઉપરાંત દાણીલીમડા ખાતે ડીલક્ષ બેકરી અને ચાંગોદર ખાતેની બેકરીમાં પેકેટ પર નામ, સરનામુ ઈ-મેઈલ એડ્રેસ ઉત્પાદનની તારીખ, ડયુટની સહિતની કોઈ વિગત નહીં દર્શાવવા બદલ રૂપિયા રપ હજાર અને પ૦ હજારનો દંડ ફટકાર્યો છે. રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સીના ચેરમેને કહ્યું હતું કે તોલમાપ વિભાગના અધિકારીઓ પૂરતી ચકાસણી કરતા નથી જેના કારણે વેપારીઓ છાકટા બનીને વધુ ભાવ વસૂલવાનું ચાલુ જ રાખે છે. એમાંય પણ ખાસ કરીને અમૂલ દૂધ કે છાશ ઉપર એમઆરપી કરતાં વધારેભાવ લેવાતો જ હોય છે.
ઠંડા પીણા પર એમઆરપી કરતાં વધુ કિંમત લેવા બદલ કાંકરિયાની હોટલને ૮ હજારનો દંડ

Recent Comments