અમદાવાદ,તા.૩૧
રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી કાતિલ ઠંડીનું સામ્રાજય સ્થપાયું છે ત્યારે આજે ઠંડીમાં સામાન્ય રાહત જોવા મળી હતી. જો કે ત્યારે આજે કચ્છમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો થતા વાદળ ઘેરાતા જોવા મળ્યા હતા અને ઝરમર ઝરમર વરસાદ થયો છે. કચ્છના માતાના મઢ, કોટેશ્વર, દયાપર અને લખપત સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ પડયો હતો. બીજી તરફ આ માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ફકત કચ્છમાં જ નહીં પરંતુ બનાસકાંઠામાં પણ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ થયું હતું. વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતો ચિંતિત છે. કચ્છમાં માવઠુ અને બનાસકાંઠામાં વાદળછાયા વાતાવરણથી રવી પાકમાં નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે. જો કે ગઈકાલની તુલનામાં અનેક સ્થળોએ તાપમાનમાં ૪થી પ ડિગ્રીનો વધારો થયો હતો જેને પગલે ઠંડીમાં રાહત મળી હતી. વાત કરીએ તાપમાનની તો કંડલા એરપોર્ટ પર ૮.ર, ગાંધીનગર ૮.૮, દિવ ૯.૦, મહુવા ૯.ર, અમદાવાદ ૧૦.૦, વલસાડ ૧૦.૬, ડીસા ૧૦.૮, વડોદરા ૧૦.૮, ભાવનગર ૧૧.૦, સુરેન્દ્રનગર ૧૧.૪, રાજકોટ ૧૧.૭ અને નલિયા ૧૧.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે હજુ પણ ઠંડીનો એક રાઉન્ડ આવે તેવી હવામાન વિભાગ દ્વારા શકયતા વ્યકત કરવામાં આવી છે.

ક્યાં કેટલું તાપમાન
સ્થળ લઘુત્તમ તાપમાન
કંડલા એરપોર્ટ ૮.ર
ગાંધીનગર ૮.૮
દીવ ૯.૦
મહુવા ૯.ર
અમદાવાદ ૧૦.૦
વલસાડ ૧૦.૬
ડીસા ૧૦.૮
વડોદરા ૧૦.૮
ભાવનગર ૧૧.૦
સુરેન્દ્રનગર ૧૧.૪
રાજકોટ ૧૧.૭
નલિયા ૧૧.૮