અમદાવાદ, તા.૧૫
રાજ્યમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે ઠંડીમાં સામાન્ય ઘટાડા બાદ ફરી એકવાર જોરદાર ઠંડીનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. જેની અસર બુધવારથી વર્તાવા લાગી છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરને કારણે રાજ્યમાં સામાન્ય તાપમાન વધ્યું હતું, જ્યારે ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને પગલે ફરી એકવાર લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો થયો છે. બુધવારે ૬ ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું સ્થળ બન્યું હતું, જ્યારે અમદાવાદમાં ૯ ડિગ્રી તાપમાન નોંધાતા ૧પમી જાન્યુઆરી અમદાવાદમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો, ત્યારે અન્ય અનેક સ્થળોએ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી ઓછો નોંધાતા લોકોએ તીવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો, જ્યારે આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ઘણા દિવસોથી ઉત્તર-પૂર્વ દિશા તરફથી ઠંડા અને સૂકા પવનો ફૂંકાઇ રહ્યા છે, જેથી પરોઢ અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો હતો. બે દિવસ પહેલાં વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કેટલાક ભાગોમાં માવઠું થયું હતું. હવામાં ભેજનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે વધતા ઠંડીમાં ઘટાડો થયો હતો. જોકે, બે દિવસથી તાપમાન સતત ઘટી રહ્યું છે. આ ઉપરાંત દિવસભર ઠંડા પવન ફૂંકાતા દિવસે પણ સ્વેટર પહેરવાની ફરજ પડી રહી છે. રાજ્યના મોટા ભાગના શહેરના લઘુતમ તાપમાન ૮થી ૧૨ ડિગ્રીની આસપાસ રહેતા પરોઢે ગાત્રો થિજવી દેતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. આગામી દિવસોમાં રાજ્યમાં તીવ્ર ઠંડીનું મોજું ફરી વળે તથા કેટલાક ભાગોમાં પારો ૫ ડિગ્રીની નીચે જવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બુધવારેઅમદાવાદ ૯ ડિગ્રી, ડીસા ૯.૮, વડોદરા ૧૩, રાજકોટ ૮.૪, ભૂજ ૯.૪, સુરેન્દ્રનગર ૧૦.૩, ભાવનગર ૧૨.૩, પોરબંદર ૯.૮, કંડલા ૮.૪, અમરેલી ૯.૪, ગાંધીનગર ૭.૭ અને મહુવાનું લઘુતમ તાપમાન ૧૧.૧ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે આગામી દિવસોમાં કાતિલ ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળે તેવી શક્યતા છે.

ક્યાં કેટલું તાપમાન
સ્થળ લઘુતમ તાપમાન
નલિયા ૬.૦
ગાંધીનગર ૭.૭
કેશોદ ૮.૦
રાજકોટ ૮.૪
કંડલા એરપોર્ટ ૮.૪
અમદાવાદ ૯.૦
અમરેલી ૯.૪
ભૂજ ૯.૪
પોરબંદર ૯.૮
ડીસા ૯.૮
કંડલા પોર્ટ ૧૦.૦
સુરેન્દ્રનગર ૧૦.૩
મહુવા ૧૧.૧
ભાવનગર ૧૨.૩