અમદાવાદ, તા.ર૭
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનથી રાજ્યમાં અનેક સ્થળોએ ઠંડીનો પારો ૩ ડિગ્રી કરતા પણ નીચે ગગડતા રાજ્યમાં હાડ ગાળતી ઠંડી શરૂ થઈ ગઈ છે. આજે ૬.૮ ડિગ્રી જેટલા નીચા તાપમાનથી ગાંધીનગર ઠંડીમાં પણ પાટનગર સાબિત થયું હતું. જ્યારે નલિયામાં ૭.૮ ડિગ્રી અને અમદાવાદ તથા ડીસામાં પણ તાપમાનનો પારો ૮ ડિગ્રી જેટલો નીચો રહેવા પામ્યો હતો. છેલ્લા ત્રેવીસ વર્ષમાં અમદાવાદમાં ડિસેમ્બર મહિનામાં આ વખતે સતત કાતિલ ઠંડી જોવા મળી રહી છે ત્યારે આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તે જોતા તાપમાન પ ડિગ્રીની નજીક પહોંચે તો નવાઈ નહીં.
અમદાવાદમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ડિસેમ્બરનું સૌથી નીચું ૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી ત્રણ દિવસ કોલ્ડવેવની અસરોથી ઠંડીનું જોર વધવાની શક્યતા છે. હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, બુધવારે વહેલી સવારથી શરૂ થયેલાં ઠંડા પવનોને કારણે મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૨.૩ ડિગ્રી ગગડીને ૨૬.૬ અને લઘુતમ તાપમાન ૩.૬ ડિગ્રી ગગડીને ૯.૩ ડિગ્રી નોંધાયું હતું. આગામી ત્રણ દિવસ અમદાવાદમાં ઠંડીનો પારો ૯.૦ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી ઠંડીમાં વધારો થશે.
કોલ્ડવેવની અસરોથી અમદાવાદ સહિત રાજ્યનાં ૮ શહેરોમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રી કે તેનાથી નીચે નોંધાતા ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યમાં ૬.૮ ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડું શહેર બન્યું હતું. જ્યારે અન્ય અનેક શહેરોનું લઘુતમ તાપમાન ૮થી ૧૧ ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. આગામી ત્રણ દિવસો દરમિયાન કોલ્ડવેવની અસરોથી સૌરાષ્ટ્ર-કચ્છ, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે લોકો ગરમ વસ્ત્રો પહેરી તાપણાં કરી ઠંડી ઉડાડતા જોવા મળ્યા છે તો ફૂટપાથ પર રહેનારા લોકોની સ્થિતિ વધુ દયનીય બની છે.
સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીની ઝપટમાં આવી ગયું છે ત્યારે ગુજરાત હવામાન ખાતાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પવનની દિશા બદલાવાના કારણે રાજ્યમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ છે. ડોક્ટર્સની સલાહ મુજબ વૃદ્ધ લોકોએ આ ઠંડા પવનમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ગુજરાતમાં ૪૮ કલાક માટે ઠંડીમાં આવેલી મામૂલી રાહત ગઈકાલે ઓસરી ગઈ હતી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તથા કાશ્મીરથી આવતા સીધા પવનોને લીધે ગઈકાલે વધુ એક વખત કોલ્ડ-વેવ શરૂ થઈ ગઈ હતી. કોલ્વ-વેવના આ સેકન્ડ રાઉન્ડની અસર પહેલાં કરતાં પણ વધારે આક્રમક રહી છે ત્યારે આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતાને જોતાં લોકોએ કાતિલ ઠંડીનો સામનો કરવા સજ્જ બનવું પડશે.

ક્યાં કેટલું તાપમાન
સ્થળ લઘુત્તમ તાપમાન
ગાંધીનગર ૬.૮
નલિયા ૭.૮
અમદાવાદ ૮.૦
ડીસા ૮.૦
વલસાડ ૯.૧
મહુવા ૯.પ
અમરેલી ૯.૬
વડોદરા ૧૦.૦
સુરત ૧૦.૬
ભાવનગર ૧૧.૦
આણંદ ૧૧.ર
કંડલા ૧૧.૪