(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
દેશભરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. સમગ્ર ઉત્તર ભારત ઠંડીની અસર હેઠળ છે. પાટનગર દિલ્હીમાં તાપમાન ૩.૭ ડિગ્રી નોંધાયું છે. ઉત્તરના પહાડી રાજ્યોમાં ભારે બરફ વર્ષાથી તાપમાન ઘટતું જાય છે અને ઠંડી વધતી જાય છે. યુપી-રાજસ્થાન-પંજાબ-દિલ્હી સહિતના રાજ્યોમાં ઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું છે. જેના કારણે પાટનગર દિલ્હીમાં ધુમ્મસ છવાયું છે. બુધવારે હિમાલયના પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ હતી. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર ૩૦ ડિસેમ્બરથી ૩ જાન્યુઆરી સુધી ઉત્તરી રાજ્યોમાં બરફવર્ષા થવાની શક્યતા છે. ઉત્તરાખંડમાં નવેસરથી હિમવર્ષા થઈ છે. તાપમાન ૦થી ૧ ડિગ્રીની આસપાસ નોંધાયું છે. જમ્મુ-કાશ્મીરમાં કડાકાની ઠંડી પડી રહી છે. ર૮ વર્ષ બાદ પહેલીવાર શ્રીનગરનું રાતનું તાપમાન -૭.૬ ડિગ્રી નોંધાયું હતું. નદી-નાળામાં પાણી બરફ બની ગયું છે. દ્રાસ-કારગીલ લેહમાં તાપમાન -ર૦ ડિગ્રીની આસપાસ નોંધાયું છે. રાજસ્થાનમાં પણ કાતિલ ઠંડીનું મોજું ચાલે છે. માઉન્ટ આબુમાં તાપમાન ૦થી ૧ ડિગ્રી નોંધાયું છે. નકી લેક પર બરફની ચાદર છવાઈ છે.