નવી દિલ્હી તા. ૨૬

આરએસએસના નેતાઓએ મહાત્મા ગાંધીની હત્યા કરી છે તેવી રાહુલ ગાંધીની ટીપ્પણીને ખુદ ભાજપના સીનિયર નેતા અને સાંસદ એમજે અકબરે સમર્થન આપ્યુ છે. રાહુલ ગાંધીની જેમ જ વિદેશી બાબતોના રાજ્યમંત્રી અકબરે મહાત્મા ગાંધીની હત્યા બદલ એક વાર નહીં પરંતુ બે વાર આરએસએસ પર દોષનો ટોપલો ઢોળ્યો છે.પોતાના બે પુસ્તકો- ઈન્ડીયા : ધી સિજ વિધિન તથા નહેરૂ : ધી મેકિંગ ઓફ ઈન્ડીયામાં અકબરે રાહુલ ગાંધી જેવો જ મત વ્યક્ત કરીને આરએસએસને ગાંધીની હત્યા બદલ દોષી ઠેરવ્યો છે. ઈન્ડીયા : ધી સિજ વિધિનના ૩૦૭ નંબરના પાના પર પત્રકારમાંથી રાજકીય નેતા બનેલા અકબરે એવો ખુલાસો કર્યો છે કે મહાત્મા ગાંધીની હત્યા પછી તત્કાલિન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ આરએસએસ પર પ્રતિબંધ મૂકવા માંગતા હતા. અકબરે પોતાના પુસ્તકમાં આગળ લખ્યું : ૧૯૪૮ માં આરએસએસને હારનો સામનો કરવો પડ્યો, ખુદ સરદાર પટેલે પણ આરએસએસના ગુનાને માફ કર્યો નહોતો. અગાઉના એક પેજમાં અકબરે લખ્યું છે કે આરએસએસ મહાત્મા ગાંધીની  ઊંડી નફરત કરતું હતું અને તેમની સામેે ધ્રુણા રાખતું હતું. તેમણે લખ્યું કે આરએસએસ મહાત્મા ગાંધીને ધુત્કારતું હોવાથી તે આઝાદીની ચળવળમાંથી દૂર રહ્યો હતો. વાસ્તવમાં કેટલાક લોકોને એવી શંકા હતી કે આરએસએસ ગાંધીની વિરૂદ્ધ અંગ્રેજોને મદદ કરી રહ્યાં હતા. નહેરૂ : ધી મેકિંગ ઓફ ઈન્ડીયામાં અકબરે ૧૨ જાન્યુઆરી ૧૯૪૮ ના રોજ પુણેમાં થયેલી એક ખાનગી બેઠકનો ઉલ્લેખ કર્યો છે. આ દિવસે ગાંધીએ એવી જાહેરાત આમરણ ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરી હતી. અકબરે લખ્યું કે, આ દિવસે પુણેમાં ચાર માણસોની એક ગુપ્ત મુલાકાત થઈ હતી ૨૦ વર્ષીય મદનલાલ પાહવા, વિષ્ણુ કરકરે નારાયણ આપ્ટે તથા નથુરામ ગોડસે ખાનગીમાં મળ્યાં હતા અને મહાત્મા ગાંધીની હત્યાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું.

અકબરે લખ્યું કે એક અઠવાડિયા પછી ૨૦ જાન્યુઆરી ૧૯૪૮ ના રોજ  મહાત્માં ગાંધીની હત્યાનો પહેલો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે નિષ્ફળ નીવડ્યો. ગાંધીજી જે સ્થળે પ્રાર્થના સભાને સંબોધિત કરી રહ્યાં હતા તે સ્થળથી ૭૫ ફૂટ દૂર મદનલાલ પાહવાએ ભૂલથી ગુનકોટ સ્લેબને સળગાવ્યો હતો. અને દશ દિવસ પછી નથુરામ ગોડસને ગાંધીજીની હત્યાના બીજા પ્રયાસમાં સફળતા મળી હતી. ગાંધી હત્યા કેસની સુનાવણી પછી ૧૫ નવેમ્બર ૧૯૪૯ ના રોજ ગોડસે અને આપ્ટેને ફાંસી આપી દેવામાં આવી હતી. એમ જે અકબરે વિષ્ણુ કરકરને પુણેનો આરએસએસનો એક કાર્યકર ગણાવ્યો છે.