નવી દિલ્હી તા. ૧૮

ચૂંટણીમાં કાળા નાણાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માટે ચૂંટણી પંચે સરકાર સમક્ષ કાયદામાં સુધારો કરવાની માંગણી કરી છે. ચૂંટણી પંચ ઈચ્છી રહ્યું છે કે રાજકીય પાર્ટીઓ ૨,૦૦૦ કરતાં વધારેના દાનનો સ્ત્રોત જણાવે. પંચે સરકારને મોકલેલા તેના સૂચનોમાં એવું જણાવ્યું છે કે પાર્ટીઓના ૨ હજારના ગુપ્ત દાન પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. હાલમાં રાજકીય પાર્ટીઓ પર અજાણ્યા સ્ત્રો પાસેથી દાન લેવા પર કોઈ બંધારણીય કે કાનૂની પ્રતિબંધ નથી. જનપ્રતિનિધિત્વ કાનૂન ૧૯૫૧ ની કલમ ૨૯ સી હેઠળ પાર્ટીઓ માટે ૨૦ હજાર રૂપિયાથી વધારેના દાનનો સ્ત્રોત જણાવવો પડે છે. ચૂંટણી પંચે સરકારે સુધારા સંબંધિત જે સૂચનો મોકલ્યાં છે તેમાં એવું જણાવવામાં આવ્યું છે કે અજ્ઞાત સ્ત્રોતો પાસેથી ૨ હજાર રૂપિયા અથવા તેનાથી વધારે દાન સ્વીકારવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. પંચે એવો પણ પ્રસ્તાવ મોકલ્યો છે કે ફક્ત એવા જ રાજકીય પક્ષોને આવકવેરામાંથી મુક્તિ મળવી જોઈએ જે ચૂંટણી લડતી હોય અને લોકસભા તથા વિધાનસભામાં ચૂંટણીમાં જીત મેળવેલી હોય. વાસ્તવમાં આવકવેરા કાયદા ૧૯૬૧ ની કલમ ૧૩ એ માં જણાવ્યાનુસાર રાજકીય પાર્ટીઓને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવેલી છે. શનિવારે સરકારે કહ્યું હતું કે જુની ૫૦૦ અને ૧૦૦૦ ની નોટો ખાતામાં જમા કરાવી રહેલી રાજકીય પાર્ટીઓને એવી શરતે આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવશે કે સ્વીકારવામાં આવેલું દાન વ્યકિત દીઠ ૨૦,૦૦૦ છે અને તેના યોગ્ય દસ્તાવેજો પણ ઉપલબ્ધ છે. નાણા મંત્રી અરૂણ જેટલીએ પણ સ્પષ્ટતા કરવી પડી હતી કે રાજકીય પાર્ટીઓ હવે દાન પેટે જુની નોટો નહીં લઈ શકે.  આ પહેલા નાણા સચિવ અશોક લવાસાએ કહ્યું હતું કે તમામ રાજકીય પાર્ટીઓને તેમની આવક અને મળેલા દાનનો હિસાબ આપવો પડશે. બીજી બાજુ નાણા સચિવ હસમુખ અઢીયાએ એવું કહ્યું કે જો રાજકીય પાર્ટીઓના ખાતામાં પૈસા જમા હશે તો તેની પર ટેક્ષ નહીં લાગે પરંતુ જો તે કોઈ વ્યક્તિના ખાતામાં જમા હશે તો તેની પર સરકારની નજર રહેશે. જો કોઈ વ્યક્તિ તેના ખાતામાં પૈસા જમા કરી રહ્યો હોય તો અમને તેની માહિતી મળી જ જશે.