દૃષ્ટિ નેશનલ હિન્દી બ્રેઈલ નિબંધ સ્પર્ધામાં અમદાવાદી ઝળકી

માનસિક બીમારી સાથે સંઘર્ષ કરતી નેત્રહીન સાલેહાબાનુને બ્રેઈલ લિપિના વિકાસ માટે મેગેઝિન શરૂ કરવાની ઈચ્છા

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૮

અડગ મનના મુસાફીરને હિમાલય પણ નથી નડતો આ પંક્તિને સાર્થક કરતી અમદાવાદની નેત્રહીન સાલેહાબાનુ ઘણી કપરી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ છતાં હિંમત હાર્યા વિના હંમેશા મહેનત કરતી રહી અને તેના લીધે જ તેણે દૃષ્ટિ નેશનલ હિન્દી બ્રેઈલ નિબંધ સ્પર્ધામાં ભાગ લઈ હજારો વિદ્યાર્થીઓમાંથી સૌપ્રથમ નંબરે ઈનામ મેળવી સફળતા પ્રાપ્ત કરી છે. સાલેહાબાનુની સફળતા પાછળ તેણે કરેલા સંઘર્ષ અને પરિવારની હૂંફ અને પ્રેમે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા નેત્રહિનો માટે ચાલતી દૃષ્ટિ મેગેઝીન દ્વારા દૃષ્ટિ નેશનલ હિન્દી બ્રેઈલ નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં દેશભરમાંથી હજારો નેત્રહીનોએ ઉમેદવારી નોંધાવી હતી. તાજેતરમાં મુંબઈ ખાતે આ નિબંધ સ્પર્ધાનું પરિણામ અને સફળ થનારા ઉમેદવારોને ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ નિબંધ સ્પર્ધામાં અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રહેતી મનસુરી સાલેહાબાનુ મો.ફારૂકે પણ ભાગ લીધો હતો. જેમાં સાલેહાબાનુએ ‘બ્રેઈલ લીપી ના હોતી તો’ વિષય ઉપર લખેલો નિબંધ પસંદગી પામ્યો હતો. હજારો ઉમેદવારોમાંથી માત્ર ૬૮ જેટલા ઉમેદવારોના નિબંધો સ્પર્ધામાં પસંદગી પામ્યા હતા. આ ૬૮ ઉમેદવારોમાં પણ ગુજરાતના ગૌરવ સમાન સાલેહાબાનુએ સૌપ્રથમ ક્રમે ઈનામ હાંસલ કરી સફળતા મેળવી છે. સફળતા મેળવનારી ધો.૧૧ની વિદ્યાર્થિની સાલેહાબાનુ નેત્રહીન હોવાની  સાથે ક્યારેક પોતાની ઉંમરથી વધારે ઉંમરની તો ક્યારેક ઓછી ઉંમરની થઈ જાય તેવી માનસિક બીમારીથી છેલ્લા કેટલાક સમયથી પીડાઈ રહી છે. આ સફળતા અંગે સાલેહાબાનુએ જણાવ્યું હતું કે જ્યારે આ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો ત્યારે મને સપનામાં પણ ખ્યાલ ન હતો કે રાષ્ટ્રીય લેવલે મારો પ્રથમ નંબર આવશે. તેમ છતાં આ ઈનામ મળ્યું તેના પાછળ મારી મહેનત અને સંઘર્ષ તો ખરો પણ મારા પરિવારનો ખૂબ સહયોગ રહ્યો છે. જો કે નેત્રહીનો માટે નવી નવી ટેકનોલોજી રોજેરોજ આવી રહી છે ત્યારે બ્રેઈલ લીપીને ભૂલી રહ્યા છે. આથી બ્રેઈલ લીપીનું મહત્ત્વ સમજાય તે માટે મેં બ્રેઈલ લીપી ઉપર નિબંધ લખ્યો હતો. જો કે મારે બ્રેઈલ લીપીનો વિકાસ થાય તે માટે મેગેઝીન શરૂ કરવાની ઈચ્છા છે. તદ્‌ઉપરાંત બ્રેઈલ લીપીના વિકાસ માટે મારાથી થતાં તમામ પ્રયાસો કરીશ.