જમાઅતે ઈસ્લામી હિંદ દ્વારા ૭ મે સુધી મુસ્લિમ પર્સનલ લૉ જાગૃતિ અભિયાન

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૪

દેશભરમાં હાલ ભાજપ દ્વારા ટ્રિપલ તલાકના મુદ્દાને ચગાવી અને મુસલમાનોના શરીઅતના કાયદામાં હસ્તક્ષેપ કરી મુસ્લિમ સમાજમાં ભાગલા પાડવાના ગંદા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. દેશ સામેના મોંઘવારી, બેરોજગારી, મોંઘુ શિક્ષણ, ખેડૂતોની આત્મહત્યા, મહિલાઓનું જાતિય શોષણ જેવી અનેક સમસ્યાઓ ઉકેલવાને બદલે મુસ્લિમોની અંગત બાબતમાં દખલગીરી કરી ઉશ્કેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે જમાઅતે ઈસ્લામી હિંદ દ્વારા તા.ર૩ એપ્રિલથી ૭ મે સુધી દેશભરમાં મુસ્લિમ પર્સનલ લૉ જાગૃતિ અભિયાનના નામે સભાઓ, જુમ્માના ખુત્બા, મહોલ્લા કે શેરી મીટિંગ, ડોર ટુ ડોર અભિયાન ચલાવી વિવિધ કાર્યક્રમો હાથ ધરશે. આજરોજ આ અંગે પત્રકારોને માહિતી આપતા જમાઅતે ઈસ્લામી હિંદની કેન્દ્રીય સલાહકાર સમિતિના સભ્ય ડો.હસન રઝાએ જણાવ્યું હતું કે દરેક ધર્મની જેમ મુસ્લિમ સમાજના પણ પર્સનલ લૉ છે. જેમાં કુર્આન અને હદીષની રોશનીમાં તેનો ઉકેલ લાવવાનો હોય છે તે માટે શરીઅતના કાયદા છે. મુસલમાનોના આગ્રહના કારણે ૧૯૩૭માં શરીઅત એપ્લિકેશન એક્ટ પસાર કરવામાં આવ્યું હતું કે જો બંને પક્ષો મુસલમાન હોય તો તેમના પારિવારિક અને કૌટુંબિક મામલાઓનો નિવેડો શરીઅત પ્રમાણે થશે જેમાં લગ્ન, છુટાછેડા, ખૂલા અને વિરાસત જેવી બાબતો આવરી લેવામાં આવી હતી. પરંતુ આજકાલ આ સામાજિક મુદ્દાને રાજકીય ઈશુ બનાવી વધુ પડતો ચગાવવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે મુસ્લિમ સમાજની બહુમતી ઈસ્લામી કાયદાઓનું જ્ઞાન ધરાવતી નથી અને તેના પાલન અંગે સભાન નથી. ઉપરાંત કેટલાક કિસ્સામાં અદાલતો દ્વારા ઈસ્લામી શરીઅત સાથે સુસંગત ન હોય તેવા ચુકાદાઓ આપવામાં આવે છે. જે આગળ જતાં દાખલારૂપી બની જાય છે. દેશની સંસદ પણ મુસ્લિમ પર્સનલ લૉમાં દખલરૂપ થાય છે. તથા મોટાભાગે મીડિયાનું વલણ પણ એકતરફી હોય છે. પરિણામે લોકો સમક્ષ સાચી હકીકત બહાર આવતી નથી. હકીકતમાં જોવા જઈએ તો આરટીઆઈ દ્વારા બહાર આવેલા આંકડા મુજબ અન્ય સમાજની સરખામણીમાં મુસ્લિમ સમાજમાં તલાકનો રેશિયો ખૂબ જ નીચો છે. પરંતુ પ્રચાર એવો કરવામાં આવે છે કે મુસ્લિમો જે સૌથી વધુ તલાક આપે છે પરંતુ મુસ્લિમ સમાજે તેનું રિએકશન આપવાને બદલે લોકોને શિક્ષિત કરી સમસ્યાનો નિકાલ લાવવા વધુ ભાર મૂકવો પડશે. જમાતના પ્રદેશ અધ્યક્ષ શકીલ અહમદ રાજપૂતે પણ શરીઅતના કાયદા વિશે સમજણ આપી હતી. જમાઅતે ઈસ્લામી હિંદ ગુજરાતના મહિલા વિભાગના સેક્રેટરી આરીફા પરવીને જણાવ્યું હતું કે ઈસ્લામે મહિલાઓને જે હક આપ્યા છે તે કોઈ સમાજે નથી આપ્યા. મહિલાને તેના પિતા, પતિ, ભાઈ કે માતા એમ ચોતરફથી વારસાઈના હક આપી માલિકીનો હક આપ્યો છે. જો સંજોગોવસાત મહિલાને કમાવવાની નોબત આવે તો તેની આવક પર તેના પતિનો કોઈ હક બનતો નથી. ઈસ્લામે મહિલાઓને જે આપ્યો છે તે કોઈએ નથી આપ્યો. આથી આ અંગે જાગૃતિ ફેલાવવા તમામ વિસ્તારોમાં ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં જાગૃતિ ઊભી કરવામાં આવશે.