(એજન્સી) તા.૧૮
ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા નવજોત સિંહ સિદ્ધુ આજકાલ પુલવામા હુમલાને લઈને પોતાના નિવેદન અંગે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યાં છે. સિદ્ધુના નિવેદન બાદ લોકો સોશિયલ મીડિયા પર માગણી કરી રહ્યાં છે તેમણે ધ કપિલ શર્મા શોમાંથી બહાર કરવામાં આવે. હવે તેના પર શોના હોસ્ટ કોમેડિયન કપિલ શર્માએ પણ પ્રતિક્રિયા આપી હતી. સિદ્ધુના નિવેદન અંગે કપિલ શર્માએ તેમનો બચાવ કર્યો હતો. એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કપિલે કહ્યું કે જે મુદ્દો છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આતંકવાદીઓથી બદલો લેવો જોઈએ. ઉલ્લેખનીય છે કે સિદ્ધુએ કહ્યું હતું કે ‘થોડા ઘણા લોકોના કારણે તમે આખા દેશને દોષી ગણાવી શકો? અને કોઈ એક વ્યક્તિને દોષિત ગણાવી શકો? આ કાયરતાપૂર્ણ કૃત્ય છે. હું એને સખત શબ્દોમાં વખોડું છું. આતંકવાદનો કોઈ ધર્મ કે દેશ હોતો નથી. સિદ્ધુની આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર વિરોધ શરૂ થઈ ગયો હતો. કેટલાક લોકો માગણી કરવા લાગ્યા કે તેમને ધ કપિલ શર્મા શોમાંથી હાંકી કાઢવામાં આવે. નહિંતર તેઓ શો જોવાનું બંધ કરી દેશે. તેના પછી મીડિયા અહેવાલોમાં દાવો કરાયો કે સિદ્ધુને ધ કપિલ શર્મા શોમાંથી બહાર કરી દેવાયો છે. તેમના સ્થાને અર્ચના પૂરન સિંહ જજ બનશે. અર્ચના પૂરન સિંહે પણ સ્પષ્ટતા કરી હતી કે તેમણે બે એપિસોડ માટે બોલાવાઈ હતી. જોકે હવે કપિલ કહે છે કે તે સિદ્ધુ હજુ પણ શો સાથે જળવાઇ રહેશે. કપિલે કહ્યું હતું કે હું પુલવામા હુમલા મામલે સરકારને સમર્થન આપું છું પરંતુ નવજોત સિંહ સિદ્ધુને શોમાંથી બહાર કરી દેવો એ કોઈ ઉપાય નથી. તેમણે કહ્યું કે સિદ્ધુ હાલમાં વ્યસ્ત છે એટલા માટે અમે અર્ચના પૂરન સિંહ સાથે શૂટ કરી રહ્યાં છીએ. વર્તમાન સમયમાં તે હાલ અમારી સાથે નથી. આ એક નાની વાત છે અથવા તો કોઈ પ્રોપોગેન્ડા છે જેમાં આ પ્રકારની વાતો કરવામાં આવે છે.