અમદાવાદ, તા.૧

ગુજરાત ર૦૦રના રમખાણ  પીડિતોને ન્યાય અપાવવા માટે તિસ્તા સેતલવાડ અને તેમની સંસ્થા CJPએ અત્યંત મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ર૮ ફેબ્રુઆરીના રોજ ફરી જ્યારે એક વખત સૌ કોઈ અસરગ્રસ્તો ભોેગે બનનારાઓને યાદ કરી રહ્યા હતા ત્યારે અનેક મુશ્કેલીઓ છતાં ન્યાય અપાવવા મક્કમ રીતે ઝઝૂમી રહેલા તિસ્તા સેતલવાડે જણાવ્યું હતું કે, આપણે કયારેય પણ આ યાદોને ભુલાવી દેવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે, પંદર વર્ષોના વહાણા વિત્યા છે અને અન્ય  રમખાણોની સરખામણીએ અમુક અંશે અહીં ન્યાય મળ્યો છે. અમુક ખૂબ જ તાકતવર ષડયંત્રકારીઓને સજા મળી છે અને તેમના વડાની જવાબદારી નક્કી કરવા માટેનો સંઘર્ષ યથાવત્‌ જારી છે.  આમાં પણ બચી ગયેલા લોકોની હાલત વહીવટીતંત્રના કોઈપણ પ્રકારના પશ્ચાતાપના ભાવ ના કારણે ખૂબજ કફોડી બની છે. સિટીઝન નગરની હાલત જોઈને તંત્ર અને સરકાર કેટલી હદે નિષ્ઠુર થઈ શકે એનો અંદાજો આવે છે. ગંદા પાણી, પ્રદૂષિત વાતાવરણના કારણે સગવડ વિહીન અવસ્થામાં રહેતા લોકો જીવતેજીવ રોજ મરી રહ્યા છે.

ગોધરા કાંડ પછી ર૮ ફેબ્રુઆરી ર૦૦રથી ફાટી નીકળેલી કોમી હિંસામાં કમસે કમ ૧૯ર૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગુજરાત સરકારનો સત્તાવાર આંકડો ૧૦૪૪ લોકો જેમાંથી ૭૪૦ મુસ્લિમ અને રપ૪ હિન્દુ હતા તેના વિરોધમાં તિસ્તા સેતલવાડે કહ્યું કે, સીજેપી હાલ ગુજરાત નરસંહારની ૧પમી તિથિ સંદર્ભે તૈયારી કરી રહી છે અને જેમાં મૃત્યુ પામેલા તથા લાપતા બનેલા તમામ લોકોને આવરી લઈને રાજ્ય સરકાર દ્વારા અપાયેલા આંકડામાં રહેલા તથ્યને ઉજાગર કરાશે.