(એજન્સી) જયપુર, તા.૧૯

ટોળાકીય હિંસાનો વધુ એક બનાવ બન્યો છે. રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં ૪૪ વર્ષીય વ્યક્તિએ મ્યુનિસિપલ અધિકારીઓને ખુલ્લામાં શૌચક્રિયા કરી રહેલ મહિલાઓના ફોટા લેવાની ના પાડતા અધિકારીઓએ મૂઢમાર મારતા વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાગવાસા કાચી બસ્તી વિસ્તારમાં સવારે ૬ઃ૩૦ વાગે બની હતી જ્યારે અમુક મહિલાઓ શૌચક્રિયા માટે ખુલ્લામાં ગઈ હતી. એ વખતે કોર્પોરેશનના અધિકારીઓ સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા હતા. એમણે મહિલાઓને શૌચક્રિયા કરતા જોયું અને પોતાના મોબાઈલ કેમેરામાં એમના ફોટાઓ ઝડપવા પ્રયાસો કર્યા હતા. આ ગામના નિવાસી ઝફરખાને આ જોયું અને એમણે આવી અધિકારીઓને મહિલાઓના ફોટાઓ લેવા ના પાડી હતી જેથી અધિકારીઓ રોષે ભરાયા હતા. જોતજોતામાં વાત વધી ગઈ અને પાંચ અધિકારીઓએ ઝફરખાનને માર મારવાનું શરૂ કર્યું. ગંભીર ઈજાઓ થવાથી એમને હોસ્પિટલ ખસેડાયા હતા. ડૉક્ટરોએ એમને મૃત જાહેર કર્યા. સ્થાનિકોએ જણાવ્યું કે ઝફર ગંભીર માર સહન કરી શક્યો નહીં જેથી સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યો હતો. આ ઘટના ધીમે ધીમે વધુ લોકોમાં ફેલાતા આ વિસ્તારમાં તંગદિલી વધી ગઈ છે. રાજસ્થાન વહીવટી વિભાગ ગૌરક્ષકોને વધુ પડતી છૂટ આપતા આલોચનાઓમાં ઘેરાયેલ છે જેમણે પહેલુખાનની હત્યા કરી હતી. પાંચ અધિકારીઓ વિરૂદ્ધ ઝફરના ભાઈએ ફરિયાદ દાખલ કરી છે પણ હજુ સુધી કોઈની ધરપકડ કરાઈ નથી, પ્રતાપગઢના પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પૂરતી તપાસ કર્યા પછી પગલાં લેવામાં આવશે. નજરે જોનારાઓ પ્રતાપગઢ મ્યુનિસિપલ કમિશનર ઉપર આક્ષેપો મૂકી જણાવે છે કે એ ઘટના સ્થળ ઉપર હાજર હતા છતાં એમણે દરમિયાનગીરી કરી ન હતી. ખાનની હત્યા કરાતા ગ્રામવાસીઓએ નેશનલ હાઈવે થોડા કલાકો માટે બ્લોક કર્યો હતો. આ ઘટનાને કોમી ઘટના જોવામાં આવી રહી છે કારણ કે વિસ્તારના ધારાસભ્ય ભાજપના છે. જમાત-એ-ઈસ્લામી હિન્દ જયપુરે આ ઘટનાને કોમી હત્યા ગણાવી છે. ઝફર ગ્રામવાસીઓમાં જાણીતો હતો. એ સામાજિક કાર્યકર હતો. થોડા અઠવાડિયાઓ પહેલાં ઝફરખાને વહીવટી તંત્રને વિનંતી કરી હતી કે ગામમાં જાહેર શૌચાલય બનાવવામાં આવે કારણ કે ગામના લોકો ખૂબ ગરીબ છે. મળતી માહિતી મુજબ ઝફરના મૃતદેહને હોસ્પિટલમાં શબગૃહમાં મૂકાયો છે. પોલીસે આ વિસ્તારમાં ૧૪૪મી કલમ લાગુ કરી છે.