(એજન્સી)              નવી દિલ્હી, તા.૧ર

કતલ માટે પશુઓના ખરીદ-વેચાણ પર રોક લગાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરૂદ્ધ મેઘાલયના કોંગ્રેસ સરકારે મોટું પગલું ભરતા આ નિર્ણય વિરૂદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કર્યો છે. સોમવારે મેઘાલય વિધાનસભાના વિશેષ સત્રમાં આ પ્રસ્તાવ પસાર કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ર૮મી મેએ કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન બહાર પાડી કતલ માટે પશુમેળામાં પશુઓના ખરીદ-વેચાણ પર રોક દીધી હતી. કેન્દ્ર સરકારના આ નિર્ણયને ગૌમાંસ સાથે સાંકડીને જોવામાં આવી રહ્યો છે. આ નિર્ણયનો મેઘાલય સહિત ઘણા રાજ્યોએ જોરદાર વિરોધ કર્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય વિરૂદ્ધ મેઘાલયમાં ભાજપના કેટલાક ટોચના નેતાઓએ પણ રાજીનામું આપી દીધું હતું.

ઉલ્લેખનીય છે કે સોમવારે આ મુદ્દે ચર્ચા દરમિયાન ધારાસભ્યોએ કેન્દ્રના આ નિર્ણય વિરૂદ્ધ આકરો વિરોધ નોંધાવ્યો હતો અને કેન્દ્રના આ નિર્ણયને પૂર્વોત્તરના લોકોની ભાવનાઓ પર કુઠારાઘાત સમાન ગણાવ્યો હતો. મેઘાલયમાં આદિવાસીઓ અને જનજાતિઓ જૂથો વચ્ચે ગૌમાંસ ખાવાની પરંપરા છે. પરંતુ કેન્દ્રની આ નોટિફિકેશનને લઈ પૂર્વોત્તરના લોકો ખાસા નારાજ છે. મેઘાલયના ભાજપના નેતાઓએ પણ પાર્ટી મોવડી મંડળ વિરૂદ્ધ બળવાનો સૂર ફૂંક્યો છે અને પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે. ભાજપમાંથી રાજીનામું આપનારામાં બચુ મારખ અને બરનાર્ડ મારખે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર આદિવાસી અસ્મિતા સાથે રમત રમી રહી છે. કેન્દ્રની ભાજપ સરકારે આ મામલે પૂર્વોત્તરની સાથે સાથે દક્ષિણ ભારતમાં પણ ખાસી નારાજગી વ્હોરવી પડી છે. આ નોટિફિકેશનને મદ્રાસ હાઈકોર્ટમાં પણ પડકારવામાં આવી હતી. બીજી તરફ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, તેનો ઈરાદો લોકોની ભોજનની ટેવો પર લગામ લગાવવાની નથી પરંતુ ગાયો અને અન્ય પશુઓની તસ્કરી રોકવાનો છે સાથે ગૌહત્યાના નામે પશુઓ સાથે થઈ રહેલા અત્યાચારને પણ બંધ કરવાનો છે.

 

 

રાજસ્થાનમાં ગાયોને લઈ જતા તમિલનાડુના અધિકારીઓના ટ્રકો પર બેફામ ગૌરક્ષકોનો હુમલો

પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી, એક પોલીસ અધિકારી સહિત સાત

પોલીસકર્મીઓની સામે આકરી કાર્યવાહી આરોપીઓએ તમિલનાડુ સરકારના

અધિકારીઓને માર મારવાનો પ્રયાસ કર્યો તેમણે ટ્રકને આગ લગાડવાનો પણ

પ્રયાસ કર્યો, રાજસ્થાનમાં ગૌરક્ષકો પર કોઈનો અંકુશ જ નથી

 

(એજન્સી)                      જયપુર, તા. ૧૨

રાજસ્થાનના જૈસલમેરથી તમિલનાડુ સુધી એક ટ્રકમાં ગાયોની હેરાફેરી કરી રહેલી તમિલનાડુ સરકારની માલિકીની ટ્રક પર લગભગ ૫૦ ગૌરક્ષકોના એક ટોળાએ હુમલો કર્યો હતો. પોલીસે કહ્યું કે બાડમેર જિલ્લામાં ગાયોની હેરાફેરીની આશંકાએ નેશનલ હાઈવે નં. ૧૫ પર ગૌરક્ષકોએ તમિલનાડુની એક ટ્રંકને આંતરી હતી અને તેની પર પથ્થરમારો કર્યો હતો. આ કેસમાં ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને એક પોલીસ ઈન્સપેક્ટર સહિત સાત પોલીસકર્મીઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે. એક સીનિયર પોલીસ અધિકારીએ કહ્યું કે જે પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમણે આ કેસની ગંભીરતાથી લીધો નહોતો અને  મોડેમોડે ઘટનાસ્થળે પહોંચ્યાં હતા. તમિલનાડુ સરકારના પશુપાલન વિભાગના અધિકારીઓએ જૈસલમેર ખાતેથી ૫૦ ગાયો અને વાછરડાઓની ખરીદી કરી હતી અને એનઓઓસી અને બીજા દસ્તાવેજો તથા સત્તાવાળાઓની અનુમતી સાથેની તમામ પ્રકારના નિયમોનું પાલન કર્યા બાદ એક ટ્રકમાં આ ગાયોને તમિલનાડુ લઈ જવાની વ્યવસ્થા કરી રહ્યા હતા. પોલીસ અધિકારીએ આગળ કહ્યું કે આરોપીઓએ તમિલનાડુ સરકારના અધિકારીઓને માર મારવાનો પ્રયાસ કર્યો. તેમણે ટ્રક આગ લગાડવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તેમના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. બાડમેરના પોલીસ અધિક્ષક ગગનદીપ સિંગલાએ કહ્યું કે આ દરમિયાન સેંકડો લોકો એકત્ર થયા હતા અને હાઈવેને બ્લોક કરી નાખ્યો હતો. આરોપીઓએ ટ્રક પર પથ્થરમારો કર્યો હતો અને એક ટ્રકને નુકશાન પહોંચાડ્યું હતું. વાછરડાઓને બચાવી લઈને નજીકની ગૌશાળામાં લઈ જવામાં આવ્યાં હતા. જાહેર સેવકની ફરજમાં અડચણ રૂપ બનીને તેમને જાણીજોઈને ઈજા પહોંચાડવા બદલ ૫૦ લોકોની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. ટ્રકમાં રહેલા અધિકારીઓએ તાકીદના ધોરણે પોલીસની સહાય માંગી હતી. પરંતુ પોલીસ મોડેમોડે ઘટનાસ્થળે પહોંચી હતી.