ઉત્તરાખંડની નામદાર હાઈકોર્ટે ગંગા નદીને માનવી સમાન અધિકાર આપતો ચોંકાવનારો ચૂકાદો જાહેર કર્યો. નૈનિતાલની કોર્ટે ગંગાને ભારતની પહેલી જીવિત નદીના રૂપનો દરજ્જો આપ્યો. વિશ્વમાં આ પહેલાં ન્યૂઝીલેન્ડની વાનકુઈ નદીને જ જીવિત વ્યક્તિ સમાન અધિકાર આપેલ છે, વિશ્વમાં ભારત બીજો દેશ છે જ્યાંના ન્યાયતંત્રએ નદીને જીવિત વ્યક્તિના અધિકાર આપતો ચૂકાદો જાહેર કર્યો, સાથે નાળામાં ફેરવાઈ ગયેલી ગંગા નદીનું પ્રદૂષણ યુદ્ધને ધોરણે દૂર કરવા, નદીથી જોડાયેલી નહેરોની પરિસંપત્તિને લાગતા-વળગતા પ્રદેશને ભાગીદાર બનાવવા સખત તાકીદ કરી છે. આમ અદાલતનો આ ચૂકાદો પર્યાવરણની રીતે ખૂબ ખૂબ આવકારદાયક ગણીએ; અદાલતને સલામ કરીએ કે, જે કામ કરવામાં સત્તા પરની સરકારો આંખ આડા કાન કરે છે, નજર અંદાજ  કરે છે તે માટે તેમના કાન આમળી ન્યાયિક રીતે વર્તવા અદાલતો તાકીદ કરતી રહે છે.

ભારતમાં હિન્દુ શાસ્ત્રોએ નદીને માતાનું સ્વરૂપ આપેલ છે; અને દુનિયાની ઘણી બધી સંસ્કૃતિઓ નદીઓના કિનારેજ ફાલીફૂલી છે. જેવી કે ભારતીય સંસ્કૃતિમાં ગંગા-જમના, નર્મદા જેવી અનેક નદીઓ, ઈજીપ્ત પાસે નાઈલ નદીની સંસ્કૃતિ- એક તરફ નદીનો ખોળો માનવ જીવનને પાળે પોષે છે છતાં જેને માના દરજ્જે બેસાડી છે એ નદીઓમાં પ્રદૂષણ ઓકતાં કારખાના, શહેર ગામડાઓના  ગંદા પાણીથી પવિત્ર ગણાતી નદીઓને ગંદી કરાય છે છતાં સરકારો-વહીવટીતંત્રની બેદરકારી, પ્રજાની કુંભકર્ણની ઊંઘ પણ પૂરેપૂરી જવાબદાર છે. ગંગા નદીના પ્રદૂષણ માટે ઉત્તરાખંડ અદાલતના દ્વાર ખખડાવનાર મુહમ્મદ સલીમ સલામનો અધિકારી છે. ખાલી નદીને માતા કે પવિત્ર ગણીને બેસી રહેનારાઓની  મુહમ્મદ સલીમની અરજથી આંખો ઊઘડવી જ જોઈએ.

આવી જ બીજી એેક બાબત અત્યારે સમગ્ર ભારતમાં ખૂબ ધ્યાનકર્ષક બની છે કે, ગૌવંશના ચાહકો ગાયને માતા ગણતા હોવાથી તેની કતલની ગંધ સુધ્ધાં આવે તો કાયદો હાથમાં લઈને તૂટી પડે છે. થવું તો એ જોઈએ કે તેઓ કાયદો હાથમાં લઈ જાતે જ ન્યાયાધીશ બની જાય તે લોકશાહીનું લક્ષણ તો નથી જ એમણે વહીવટીતંત્રને તાકીદે ખબર આપી પગલાં લેવા કહેવું જોઈએ. સાથે સાથે કોઈ એવો ગૌભક્ત નીકળે કે ગાયો શહેરોમાં ચોતરફ તેમની ભૂખ મિટાવવા કચરાના ઢગ ફેંદે છે, ને ખાદ્ય પદાર્થો જેમાં મૂકેલા હોય તે પ્લાસ્ટીક પણ ખાય છે તે ખાસ અટકવું જોઈએ; ગૌભક્તોએ એ ખરી ફરજ નિભાવવી જોઈએ. માનો દરજ્જો પ્રાપ્ત ગાયની આવી હાલત કોઈનાથી છાની નથી. એનો અર્થ એ જ કે, માનવીના હિતને માટે ઉપયોગી એવી ગાયની આવી બદતર હાલત માટે એના ભક્તોને દયા-દાઝ ચઢવી જોઈએ જેથી શહેરના રસ્તાઓ પર ગાયો આ રીતે ભૂખ ન મિટાવે. વિધિની વક્રતા એ છે કે, ભેંસોને કોઈ દિવસ રસ્તાનો ગંદો કચરો ફેંદવો પડતો નથી. ગાયને થતો આ ભારે અન્યાય આપણા હૈયાને કેમ હચમચાવતો નથી ?

એ પછી રહી વાત માનવીની જિંદગીની. કોમી તોફાનો વેળા કે અન્ય રીતે જ્યારે એકબીજી કોમ આમને-સામે આવી જાય છે ત્યારે ક્રૂરતાપૂર્વક એકબીજાને રહેંસી નાંખતા, તેમની સ્ત્રીઓની ઈજ્જત સરેઆમ લૂંટતા સહેજે હિચકિચાટ કેમ થતો નથી ? જેમની સાથે એવો અન્યાય ૧૯૮૪માં દિલ્હીની સડકો પર થયો, ર૦૦ર જેવા કે મુઝફ્ફરનગર જેવા તોફાનોમાં થયો તેવા લોકોને હજી આટલા વરસેય પૂરો ન્યાય મળ્યો નથી. એટલે નદીને જીવિત ગણીને  જીવતા માનવી જેવા અધિકાર આપનાર અદાલતના ફેંસલાને આવકારવાની સાથે એટલું જરૂર નમ્રતાપૂર્વક કહીએ કે, નામદાર અદાલત શ્રી નદીને જીવતા માનવીના અધિકાર તો તમે આપ્યા, પણ એવા કેટલાય માનવીઓ છે જેમને માનવી તરીકે મળેલા અધિકારો હજી પણ પ્રાપ્ત થયા નથી. જે દિવસે ન્યાયતંત્ર, સરકાર એવા અધિકારો માટે કટિબદ્ધ થઈ ચમરબંધીઓને જેલના સળિયા પાછળ ધકેલશે ત્યારે જ સાચી લોકશાહી પ્રસ્થાપિત થયાનું ગૌરવ આપણે લઈ શકીશું.