મેલબોર્ન,તા.૨૭
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એક મોટો વિક્રમ નોંધાવ્યો હતો. કોહલી એવો ભારતીય બેટ્‌સમેન બન્યો છે જેણે એક કૅલેન્ડર વર્ષમાં વિદેશી ભૂમિ પર સૌથી વધુ રન બનાવ્યા છે. તેઓએ ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડનો ૧૬ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.
કોહલીએ મેલબર્નમાં ચાલી રહેલા બોક્સિંગ ડે ટેસ્ટમાં ૮૨મો રન બનાવતાંની સાથે જ આ ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી. પરંતુ દુર્ભાગ્યપણે આ કિર્તીમાન પોતાના નામે કર્યા પછીના બોલ પર જ તેણે પેવેલિયન પરત ફરવુ પડ્યું. મિચેલ સ્ટાર્કના શૉર્ટ બોલ પર કોહલીએ ઉપર કટ શૉટ રમ્યો અને થર્ડ મેન બાઉન્ડ્રી પર આરોન ફિંચે તેનો સરળતાથી કેચ કર્યો.
વિરાટ કોહલીએ આ વર્ષે વિદેશમાં ૧૧ ટેસ્ટ રમી હતી જેમાં તેણે ૨૧ ઇનિંગમાં ૧૧૩૮ રન કર્યા હતા. જો ટીમ ઇન્ડિયા મેલબોર્નમાં બીજીવાર બેટિંગ કરશે તો કોહલી પાસે આ નંબર વધારવાની બીજી તક હશે. તેવામાં દ્રવિડે ૨૦૦૨ માં વિદેશમાં ૧૧ ટેસ્ટ રમી હતી, જેમાં ૧૮ ઇનિંગ્સમાં તેણે ૬૬.૮૮ ની સરેરાશથી ૧૧૩૭ રન કર્યા હતા. આ દરમિયાન, દ્રવિડે ચાર સદી અને પાંચ અડધી સદી ફટકારી હતી.
આ યાદીમાં, મોહિન્દર અમરનાથ ત્રીજા સ્થાને છે, તેણે ૧૯૮૩ માં ૯ ટેસ્ટમાં ૧૪ ઇનિંગ્સમાં ૭૧ રનની સરેરાશ સાથે ૧૦૬૫ રન બનાવ્યા હતા. આ સમય દરમિયાન અમરનાથે ચાર સદી અને પાંચ અડધી સદી ફટકારી હતી. મહાન બેટ્‌સમેન સુનીલ ગાવસ્કર ભારતીય બેટ્‌સમેનની આ યાદીમાં ચોથા સ્થાને છે, તેણે ૧૯૭૧ માં ૧૪ ઇનિંગમાં ૯૧૮ રન કર્યા હતા. ચાલુ શ્રેણીમાં કોહલીએ પાંચ ઇનિંગમાં ૨૫૯ રન બનાવ્યા છે.