– બશીર ભડકોદ્રવી (જંબુસર)
ભાગ-૪
ભૂખ્યાઓને ભોજન અને ઓળખીતા અજાણ્યાને સલામ :-
ઇસ્લામ એક એવી જીવન શૈલીની દા’વત આપે છે જેમાં એક તરફ બંદાના અકીદાઓ અને આ’માલ દુરૂસ્ત હોય તો બીજી તરફ માનવી હોવાની હેસિયતથી શાંતિ – સલામતી અને પ્રેમ-મુહબ્બતનો મતવાલો પણ હોય. શાંતિ- સલામતીનો સંદેશ આપવા તેમજ આપસમાં પ્રેમ-મુહબ્બતના દીવા પ્રગટાવવા પયગમ્બરે ઈસ્લામે જેમ કે ઘણો જ સુંદર તરીકો બતાવ્યો છે કે આપસમાં સલામ કરવી. બુખારી શરીફમાં આવે છે.
હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને અમ્ર(રદિ.) રિવાયત કરે છે રસુલૂલ્લાહ (સ.અ.વ.)ને એક માણસે પૂછ્યું ઇસ્લામમાં કઈ વાત શ્રેષ્ઠ છે ? આપે જવાબ આપ્યો : ખાવંુ ખવડાવવું અને ઓળખીતા તેમજ અજાણ્યાને સલામ કરવી.
ઉક્ત હદીષમાં પયગમ્બર સાહેબે (સ.અ.વ.) મુસલમાનોને ઘણો જ સુંદર તોહફો આપ્યો છે. ‘‘અસ્સલામુ અલયકુમના શબ્દોનો ફાયદો એ છે કે બે માણસો મળે છે ત્યારે એક માણસ બીજાને પોતાના તરફથી સલામતીનો સંદેશ પાઠવે છે કે મારા તરફથી કોઈપણ જાતના ડર કે ભયની શંકા-કુશંકા કરવાની જરૂરત નથી. મારા તરફથી તમારા માટે સંપૂર્ણ સલામતીની ખાત્રી છે. એટલા જ માટે પારકા ઘરમાં પ્રવેશતાં પહેલા રજા મેળવતી વખતે પ્રથમ સલામ કરવી જોઈએ. અલ્લાહ તઆલાનો કુર્આન શરીફમાં આદેશ છે.
હે ઈમાનવાળાઓ ! તમે તમારા મકાનો સિવાય અન્યોના મકાનમાં અંદર આવવાની રજા ન મેળવ્યા વગર અને સલામ કર્યા વગર દાખલ ન થાવ.
અન્ય એક હદીષમાં આપ (સ.અ.વ.) ફરમાવે છે કે સૌથી શ્રેષ્ઠ માણસ તે છે જેની ઝુબાન અને હાથથી મુસલમાન સલામત રહે. એટલે કે માત્ર કલિમો પઢી લેવાથી કામિલ મોમિન થઈ જતો નથી. બલકે મોમિને પોતાની વાણી અને વર્તનને પણ સુધારવાની ખાસ જરૂરત છે તેણે એવું જીવન જીવવું જોઈએ કે દુનિયાનો પ્રત્યેક માણસ તેનાથી ભયમુક્ત રહે. અને મો’મિનને પોતાનો હમદર્દ અને હિતેચ્છુ સમજે.
સગા-સબંધીઓ સાથે સદ્ભાવનાનો આદેશ :-
સામાન્ય રીતે આપણા સમાજમાં સગા-સંબંધીઓમાં અને ભાઈ-ભાઈઓમાં અણબનાવ થઈ જાય છે અને એના કારણે અસંખ્ય ઘરો અને કુંટુંબો વેરવિખેર થઈ જાય છે. તેમજ ફિત્ના-ફસાદની આગમાં હોમાય જાય છે. સમાજના તાણા-વાણાને વિખેરાય જતો અટકાવવા અને કુટુંબ-કબીલાના સંબંધને સુરક્ષિત રાખવા ઈસ્લામે તાકિદપૂર્વકના આદેશો આપ્યા છે. પોતાના અહમ્ના ભોગે પણ સમાજના તાણા-વાણાને સાચવી રાખવાની સૂચના આપી છે. ઈસ્લામની તા’લીમ એ છે કે પોતાના સગા-સંબંધીઓ સાથે સારો વર્તાવ કરે. કોઈ કારણે કોઈ સંબંધી નારાજ હોય તો પણ તેને મનાવવાની કોશિશ કરે. સગાઈ અને સંબંધ તોડનારના કૃત્યને ઈસ્લામે વખોડી કાઢ્યું છે અને સગા-સંબંધીઓમાં જોડ કરવાનું કામ કરનારની કુર્આનમાં પ્રશંસા કરી છે અને તેઓ માટે આખેરત (પરલોક)માં કામયાબીનો વાયદો કર્યો છે.
અને જે લોકો જોડવાનું કામ કરે છે જેને જોડવાનો અલ્લાહે હુકમ આપ્યો છે અને પોતાના પરવરદિગારથી ડરે છે અને બુરા હિસાબનો ખૌફ રાખે છે. (સૂરએ રાદ).
અને સગા-સંબંધોમાં તોડ કરનારાઓની સખ્ત શબ્દોમાં કુર્આને નિંદા કરી છે અને તેઓ માટે દોઝખની સજા સંભળાવવામાં આવી છે. (સૂ.રઅદ).
અને જે લોકો અલ્લાહના અહદ (વચન)ને તોડે છે મજબૂત કરવા પછી અને તે વસ્તુને તોડે છે જેને જોડવાનો અલ્લાહે હુકમ આપ્યો છે અને જમીનમાં ફસાદ મચાવે છે. એવા લોકો માટે લા’નત છે અને તેઓ માટે ભૂંડા અંજામ છે. (સૂરએ રાદ).
પયગમ્બરે ઈસ્લામે (સ.અ.વ.) સગાઈ-સંબંધ જાળવી રાખવા બાબત ઘણી જ તાકીદ ફરમાવી છે આપે (સ.અ.વ.) ફરમાવ્યુંં કે જે માણસને પસંદ હોય કે તેની રોજીમાં વધારો થાય અને તેની ઉમ્રદરાઝ થાય તો તેણે સગા-સંબંધીઓ સાથે મેળ-મેળાપ રાખવો જોઈએ. (બુખારી શરીફ) હઝરત આયશા (રદિ.) હુઝુર (સ.અ.વ.)નો ઈર્શાદ નકલ ફરમાવે છે કે રિશ્તેદારી અલ્લાહનો અર્શ થામીને કહેશે કે જે મને જોડશે અલ્લાહતઆલા તેને જોડશે અને જે મને તોડશે અલ્લાહતઆલા તેને તોડશે.
હઝરત ઉમ્મે કુલસુમ (રદિ.) ફરમાવે છે કે આપે (સ.અ.વ.) ઈર્શાદ ફરમાવ્યો કે સૌથી અફઝલ સદકો તે છે કે માણસ પોતાનાથી દુશ્મની રાખનાર સગાને સદકો (હદિયો) આપે.
આજે માનવ સમાજમાં સગાઈ-સંબંધનું મહત્ત્વ ઘટતું જાય છે વિશેષતઃ પશ્ચિમ જગતમાં તો સગાઈ જેવું કશું રહેયંન નથી. દરેક માણસ પોતાના સ્વાર્થનો જ સગો છે. અંકલ, આંટી, કઝીન એવા બે-ચાર શબ્દો સિવાય સગાઈ- સંબંધ માટેના અન્ય શબ્દો પણ તેમના સમાજમાં સાંભળવા મળતા નથી. બલ્કે યુવા પેઢી તો જાણતી પણ નથી. આવો સ્વાર્થી અને બિનદાસ્ત સમાજ કેવી રીતે માનવતાવાદી હોય શકે ? પશ્ચિમની આ બદીના છાંટા હવે આપણા સમાજ ઉપર પણ પડવા માંડ્યા છે. એટલે આ બાબતે આપણે વધુ સર્તક રહેવાની જરૂરત છે.
લડાઈમાં બાળકો, સ્ત્રીઓ અને રાહિબોને કતલ કરવાની મનાઈ :-
હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર (રદિ.)થી રિવાયત છે કે એક લડાઈમા સ્ત્રીની લાશ આપ (સ.અ.વ.)ની નજરે પડી તો આપે (સ.અ.વ.) સ્ત્રીઓ અને બાળકોને કતલ કરવાની મના ફરમાવી એવી જ રીતે વૃદ્ધો, સન્યાસીઓ અને ગિરજાઓમાં ઈબાદત કરતા રાહિબોને (સન્યાસી) યુદ્ધ વેળાએ પણ કતલ કરવાની ઈસ્લામમાં છૂટ નથી જે ધર્મમાં યુદ્ધ વેળાએ પણ ઉક્ત માનવતાવાદી આદેશ હોય તે ધર્મને આતંકવાદ સાથે ભલા કોઈ સંબંધ હોય ખરો ?
પશુઓ સાથે દયા ભાવનો હુકમ :-
ઈસ્લામી તાલીમમાં જેમ કે ઉપર વાંચી ગયા કે માનવી સાથે સદ્ભાવનાનો હુકમ છે એવી જ રીતે પશુઓ સાથે પણ દયાનો હુકમ આપવામાં આવ્યો છે અને વિના કારણે પશુઓને તકલીફ આપવાની મના ફરમાવવામાં આવી છે. મુસ્લિમ શરીફમાં હઝરત અબુહુરૈરહ (રદિ.)થી રિવાયત છે કે રસુલૂલ્લાહ (સ.અ.વ.) ફરમાવ્યુંં કે એક માણસ એક માર્ગેથી પસાર થઈ રહ્યો હતો તેને સખ્ત તરસ લાગી હતી એવામાં એક કૂવો મળ્યો તે કૂવામાં ઉતર્યો અને પાણી પીધું. ત્યારબાદ તે બહાર નીકળ્યો. એવામાં એક કૂતરાને તેણે જોયો કે તે હાંફી રહ્યો છે અને તરસના કારણે કાદવ ચાટી રહ્યો છે. ઉક્ત માણસે મનોમન વિચાર્યું કે તરસના કારણે કૂતરાની હાલત મારા જેવી જ છે તે ફરીવાર કૂવામાં ઉતર્યો અને પોતાના મોજામાં પાણી ભર્યું મોજો મોં વડે પકડીને ઉપર ચઢ્યો અને કૂતરાને પાણી પીવડાવ્યું. અલ્લાહતઆલા તેની ઉક્ત નેકીને પસંદ ફરમાવી અને તેના ગુના માફ કરી દીધા હાજર લોકોએ આપ (સ.અ.વ.)ને પૂછ્યું કે શું પશુઓને ખવડાવવા પીવડાવવામાં પણ સવાબ છે ? આપે (સ.અ.વ.) જવાબ આપ્યો કે પ્રત્યેક જીવવાળામાં સવાબ છે(જે તકલીફ આપવાવાળું નહોય)
પશુની સેવા-ચાકરીમાં સવાબનો ઈસ્લામી આદેશ છે એના વિરૂદ્ધ પશુને વિના કારણે સતામણી કરવામાં અઝાબની વઈદ છે.
મુસ્લિમ શરીફમાં રિવાયત છે કે આપે (સ.અ.વ.) ફરમાવ્યું કે એક સ્ત્રીને બિલાડીના કારણે અઝાબ થયો. તેણીએ બિલાડીને ગોંધી રાખી હતી. (ખાવા-પીવા આપ્યું નહીં) અંતે તે મરી ગઈ. માટે તે સ્ત્રી દોઝખમાં ગઈ. તેણીએ બિલાડીને ન ખાવા આપ્યું, ન પાણી અને ગોંધી રાખી. જો બિલાડીને મુક્ત કરી દીધી હોત તો પણ તે જમીનના જાનવર ખાય લેત અને પોતાનું પેટ ભરી લેત.
(ક્રમશઃ)