(સંવાદદાતા દ્વારા)   ભરૂચ, તા.ર૪

વિદેશમાં ફિટરના કામ અર્થે ગયેલા ભરૂચના યુવાન પાસે સ્ટેડિયમનું ખોદકામ કરાવી સ્થાનિક પોલીસને સોંપી દેવાતા પરિવારજનોએ ભરૂચના એજન્ટને ત્યાં હોબાળો મચાવી મૂક્યો હતો. જાણવા મળ્યા મુજબ ગત ઓક્ટોબર મહિનામાં ભરૂચના ખુરસીદ પાર્ક વિસ્તારમાં રહેતા મો.સુબ્હાન તલાટીએ સ્ટેશન રોડ પર આવેલી ઓવરસીઝ પ્લેસમેન્ટ સર્વિસના મારફતે રૂા. ૫૦,૦૦૦ હજાર આપી દોહા કતાર જવા માટેનું કામ સોંપ્યું હતું.  ભણીગણી વિદેશમાં સારી નોકરીની આશા એ મો.સુબ્હાન વડોદરા ખાતેથી ફિટરના કામ માટેનું ઇન્ટરવ્યુ આપી ખુશ ખુશાલ હાલતમાં દોહા કતાર ગયો હતો પરંતુ ત્યાં જઈને તેને ખબર પડી કે ફિટરની નોકરીની જગ્યાએ મો.સુબ્હાનને લેબરનું કામ આપવામાં આવ્યું છે અને સ્ટેડિયમનું ખોદકામ તેમજ અન્ય કામો આપવામાં આવે છે.  તે પ્રકારના આક્ષેપો આજરોજ તેના પરિવારજનોએ કર્યા હતા. સાથે સાથે તેઓને જાણવા મળ્યું કે તેઓના પુત્રને કામના ચક્કરમાં ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યો છે અને અને સ્થાનિક પોલીસને સોંપી દેવામાં આવ્યો છે જેના કારણે આજરોજ ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રંગોળી કોમ્પ્લેક્ષમાં આવેલ ઓવરસીઝ પ્લેસમેન્ટ સર્વિસ નામની ઓફિસ પર મો.સુબ્હાનના પરિવારજનોએ હલ્લો કર્યો હતો અને તેઓના પુત્રને સહી સલામત રીતે ભારત પાછો લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મો.સુબ્હાનના પરિવારજનોના જણાવ્યા મુજબ મો.સુબ્હાનને ઓરીએન્ટ કોન્ટ્રાકટીક કંપનીમાં મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટ માટે ઇન્ટરવ્યુ આપ્યું હતું પરંતુ ત્યાં અન્ય ૫થી ૬ ભારતીય યુવાનો સાથે કામ આપવાના નામે છેતરપિંડી કરી હોવાનું પણ જણાવ્યું હતું. હાલ તો મો.સુબ્હાનના પરિવારજનો એક જ આશા સાથે અપેક્ષાઓ રાખી રહ્યા છે કે તેઓનો દીકરો સહી સલામત પરત આવે અને ફરી કોઈ વાર કોઈપણ યુવાન આ પ્રકારની ચુંગાલમાં ન અટવાય તે પ્રકારનો મેસેજ લોકો વચ્ચે પહોંચાડી રહ્યા છે તો બીજી તરફ જેના મારફતે વિદેશમાં હાલ મો.સુબ્હાન છે તે જીગ્નેશભાઈ મોદીએ  એક વાતચીતમાં જણાવ્યું હતું કે તેને પરત લાવવા માટેના પ્રયત્નો ચાલુ કર્યા છે.