અમરેલી, તા.૨
અમરેલીમાં જોરદાર મીની વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના સાવરકુંડલામાં પણ જોરદાર પવન સાથે ધોધમાર ૩ ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમરેલી તેમજ સાવરકુંડલામાં જોરદાર પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા તેમજ મકાનો અને કેબિનોના છાપરા ઉડ્યા હતા. જિલ્લાના લીલિયામાં પણ પવન સાથે ૧ ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. અમરેલી તેમજ સાવરકુંડલા અને લીલિયામાં મીની વાવાઝોડાના કારણે થોડીવાર લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયેલ હતો. અમરેલીના જેશિંગપરા શીવાજી ચોકમાં ત્રણથી ચાર વૃક્ષો ધરાશાયી થતાં થોડીવાર માટે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયેલ હતા. જિલ્લાના મુખ્યમથક અમરેલી તેમજ સાવરકુંડલા, લીલિયા અને ધારી સહિત શહેરોમાં બપોર બાદ જોરદાર પવન સાથે વરસાદ ખાબકી જતાં લોકોમાં ખુશી વ્યાપી ગઈ હતી. અમરેલીમાં જોરદાર પવન સાથે મીની વાવાઝોડુ ફૂંકાતા જ શહેરમાં લાઈટ ગુલ થઈ જવા પામી હતી. બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા પ્રથમ ધૂળની જોરદાર ડમરીઓ આકાશમાં ઉડવા પામી હતી અને બાદમાં જોરદાર પવન સાથે વરસાદ શરૂ થઈ જવા પામ્યો હતો. આજે અમરેલીમાં ૭ એમએમ તેમજ સાવરકુંડલામાં ૭૦ એમએમ, લીલિયામાં રપ એમએમ અને ધારીમાં ૭૫ એમએમ વરસાદ પડેલ હતો.