(એજન્સી) નવી દિલ્હી,તા.૧

‘અમારા ૩૩,૦૦૦ એટીએમ મશીનો કામ કરી રહ્યા છે. રોકડ રકમની તંગી અંગે તમારે આરબીઆઇ સાથે વાત કરવાની જરુર છે’ એવંુ એસબીઆઇના ચેરપર્સન અરુંધતિ ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે એટીએમ ક્યાં સુધી ખાલીખમ રહેશે અને રોકડ રકમની અછત ક્યાં સુધી ચાલુ રહેશે ? ત્યારે તેમણે આ જવાબ આપ્યો હતો.

હાલ એસબીઆઇના ૪૯૦૦૦ એટીએમ છે અને જો ૩૩૦૦૦ એટીએમ રોકડ રકમ આપતા હોય તો તેનો અર્થ એ થયો કે દેશની સૌથી મોટી બેંકના ૬૭ ટકા એટીએમ પૈસા આપી રહ્યા છે. બીજી બેંકોની વાત કરીએ તો તેઓ પણ તેમના એટીએમમાં ૫૦થી ૬૦ ટકા રકમ ભરી શક્યા છે અને જો આ ખરેખર સ્થિતિ હોય તો અત્યાર સુધીમાં રોકડની કટોકટીમાં ઘણો સુધારો થયો હોત. વાસ્તવિક સ્થિતિ અલગ છે કે જેની ઉપેક્ષા કરી શકાય નહીં. બેંકિંગ સિસ્ટમના ૨ લાખ જેટલા એટીએમ નોટબંધીની જાહેરાતને ત્રણ અઠવાડિયાનો સમય થયો હોવા છતાં એટીએમ ખાલીખમ છે. ૨૧ દિવસ બાદ પણ નોટબંધીની હાલાકી ઓછી થઇ હોય એવા કોઇ સંકેત મળતા નથી.

સમસ્યા રૂા. ૫૦૦ની નોટની છે

આરબીઆઇ અને સરકાર પ્રજાને એવી ખાતરી આપી રહ્યા છે કે બેંકિંગ સિસ્ટમમાં પૂરતા પ્રમાણમાં રોકડ રકમ છે અને કોઇએ ગભરાવાની જરુર નથી તો પછી કેમ હજુ વાસ્તવિક સ્તરે રોકડ રકમની કટોકટી પ્રવર્તે છે ? તેનું સીધુંસાદુ કારણ એ છે કે સરકાર અને આરબીઆઇ રૂા.૨૦૦૦ની નોટોનું છાપકામ આક્રમક રીતે ચાલી રહ્યું છે અને રૂા.૫૦૦ અને તેનાથી ઓછી રકમની નોટો હજુ સરક્યુલેશનમાં મોટા પાયે દેખાતી નથી. અરુંધતી ભટ્ટાચાર્યએ પણ કબૂલ્યું છે કે વર્તમાન રોકડની કટોકટી પાછળનું કારણ રૂા.૫૦૦ની નોટની અછત છે. આમ રોકડ રકમની અછત અને ખાસ કરીને રૂા.૫૦૦ કે તેથી ઓછી રકમની નોટોની અછતના કારણે નજીકના ભવિષ્યમાં રોકડ રકમની કટોકટીનો અંત આવશે એવા કોઇ એંધાણો વર્તાતા નથી.