(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨ર
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લકઝુરિયસ હોટલો બાદ હવે મલ્ટીપ્લેક્ષ થિયેટરોનો વારો શરુ કર્યો છે. આજે બપોરથી રાંદેર, વરાછા અને અઠવા ઝોનના આરોગ્ય વિભાગની ટીમો તપાસ માટે નીકળી પડી હતી. જેમાં થિયેટરોમાં સફાઇને લગતી તપાસ કરાશે ઉપરાંત તેમાં વેચાતી ખાદ્ય સાગમગ્રીઓના પણ સેમ્પલો લઇ આરોગ્યને લગતું પણ સધન ચેકિંગ હાથ ધરાનાર હોવાનું જાણવા મળે છે.સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના સુત્રો મુજબ આજે બપોરથી શહેરના રાંદેર, અઠવા, અને વરાછા ઝોનમાં થીયેટરોમાં ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વિવિધ મલ્ટીપ્લેક્સ તેમજ થીયેટરોનો સમાવેશ થાય છે. આરોગ્ય અને ફૂડ વિભાગના નિષ્ણાંતોની સુંયકત ટીમો આવી સંસ્થાઓમાં સફાઇને લગતી સધન તપાસ હાથ ધરી હતી. જ્યારે ફ્રુડ વિભાગ દ્વારા જ્યાં ખાદ્ય સામગ્રી બને છે, વેચાય છે તેવા સ્થળોએ આરોગ્યલક્ષી સ્થિતિ અંગે ચેકિંગ હાથ ધરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં રાજ્યભરની લકઝુરિયસ હોટલો રેસ્ટોરન્ટમાં આરોગ્યલક્ષી દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સુરત શહેરની ફાઇવ સ્ટાર ફેસિલિટી ધરાવતી હોટલો સહિતની હોટલો તેમજ રેસ્ટોરન્ટનો સમાવેશ કરવામાં આળ્યો હતો. ગઈકાલે સુધ્ધા આરોગ્ય વિભાગે ૧૧ જેટલી હોટલ રેસ્ટોરન્ટને નોટિસ આપી હતી અને બે એક હોટલો બંધ પણ કરાવી હતી.આમ આરોગ્ય વિભાગની આવી કામગીરીથી ભેળસેળિયાઓ તેમજ આરોગ્યલક્ષી બેદરકારી દાખવનારી સંસ્થાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ફૂડ ઇન્સપેક્ટર સાળુકેએ વધુમાં જણાવ્યું હતું કે ચાર જેટલી સંસ્થાને બંધ કરવામાં આવેલ છે જેમાં ફુડ કલ્ચર, શિકાપો પીઝા, ક્વીક બાઇક, આઇનોસનો સમાવેશ થાય છે.સાત જેટલી સંસ્થાઓને નોટીસો આપી છે. ચાર જેટલી સંસ્થાઓને સુચના આપેલ છે. બે જેટલી સંસ્થાઓના લાયસન્સ લીધા છે. ફૂટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીથી મલ્ટીપ્લેકસ અને થીયેટરોમાં આરોગ્ય વિભાગના દરોડો શરૂ થતાં તેના સંચાલકો ખળભળાટ ફેલાયો હોવાનું જાણવા મળે છે.

ગ્રાહકોને ખાણી પીણીની વસ્તુઓ થિયેટરમાં લાવવા દેવામાં આવતી નથી

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મલ્ટીપ્લેક્સ થિયેટરોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરતાં તેમનાં સંચાલકોની દાદાગીરી ફરીથી ચર્ચામાં આવી છે. ખાસ કરીને મલ્ટીપ્લેકસ થીયેટરોમાં ગ્રાહકોની રીતસર લૂંટ ચલાવવામાં આવે છે. ઘરથી કે બહારથી લીધેલી કોઇપણ ખાણી પીણીની વસ્તુઓ દર્શકોને થીયેટરોમાં લાવવા દેવામાં આવતી નથી. જ્યારે દર્શકોને મલ્ટીપ્લેકસ સંચાલકો પોતાની ત્યાં બનાવેલી મંગાવવામાં આવેલી ખાદ્ય સામગ્રી જ વેચે છે. આમ લોકો જ્યારે મૂવી જોવા ત્યારે તેમણે ફરજિયાત મલ્ટીપ્લેકસમાં જે પણ ખાવા પીવાનું મળતું હોય તે જ ખરીદવું પડે છે, દર્શકો પોતાને માટે કે પછી પોતાના બાળકો માટે ઘરેતી બહારથી આરોગ્યપ્રદ પૌષ્ટિક ખાદ્યસામગ્રી લાવી શક્તાં નથી. આમ સ્વાભાવિક રીતે જે દર્શકોનું આરોગ્ય મલ્ટીપ્લેકસ સંચાલકોની દાદાગીરીની કારણે જોખમાઈ રહ્યું છે. ખાસ વાત એ પણ છે કે આવા મલ્ટીપ્લેકસ થીયેટરોમાં ખાણી-પીણીના સ્ટોલ્સ માટે કોન્ટ્રાક્ટ અપાતો હોય છે. જેથી આવા કોન્ટ્રાક્ટરો થીયેટરોને તગડું ભાડું ચૂકવવા કે પછી નફો રળવા માટે ખાણી પીણીની ચીજવસ્તુઓની ગુણવત્તામાં બાંધછોડ પણ કરતાં હોય છે. ત્યારે સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના ચેકિંગની સાથે જ મલ્ટીપ્લેક્સ સંચાલકો માટેના આવા નિયમોમાં પણ છૂટછાટ શરૂ કરાવે તે યોગ્ય રહેશે.