(એજન્સી) તા.૧૯
નરેન્દ્ર મોદી સરકાર અને રાજ્ય સરકારો દ્વારા સંયુક્ત રીતે માત્ર નાણાકીય રાહત પેકેજનો અમલ ભારતને આર્થિક મંદીને મહાત કરવામાં મદદરુપ નિવડશે એવું કેરળના નાણા પ્રધાન ડો.ટીએમ થોમસ આઇઝેકનું માનવું છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે વર્તમાન આર્થિક સુસ્તી સામે કામ લેવા માટે સરકાર દ્વારા નાણાકીય પ્રોત્સાહક પેકેજ સિવાય તમામ પ્રકારના ઉકેલો અજમાવવામાં આવ્યાં છે.
સીપીઆઇ-એમના પીઢ નેતા અને અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું કે ભારતે ૨૦૧૦માં પણ નાણાકીય પ્રોત્સાહક પેકેજનો સફળતાપૂર્વક અમલ કર્યો હતો અને એ રીતે મંદીમાંથી બહાર આવવા માટે મદદરુપ રહ્યું હતું. થોમસ આઇઝેકે તાજેતરમાં એક મુલાકાતમાં જણાવ્યું હતું કે રાજ્યના હિસ્સા દ્વારા રાષ્ટ્રીય સંરક્ષણ અને આંતરીક સુરક્ષા ભંડોળ ઊભું કરવાની મોદી સરકારની દરખાસ્તથી રાજ્ય સરકારો અને ખાસ કરીને કેરળ સરકાર રોષે ભરાઇ છે. રાજ્યની ફાળવણી પર આક્રમણ કરવા માટે સંરક્ષણનું બહાનુ આગળ ધરવામાં આવે છે કે જેથી કોઇ તેની ટીકા કરી શકે નહીં. ડો.આઇઝેકે જણાવ્યું હતું કે અમારું કહેવું છે કે સંરક્ષણ પાછળ તમારા સંસાધનોમાંથી ખર્ચ કરો. જો તમારી પાસે પૈસા ન હોય તો કેન્દ્રીય પુરસ્કૃત યોજના પર તમારો ખર્ચ ઘટાડો અને રાજ્યો પોતાના નાણાકીય સ્ત્રોત ઊભા કરે. આમ કેરળના નાણા પ્રધાન થોમસ આઇઝેકે જણાવ્યું હતું કે રાજ્યોનું ભંડોળ લઇ લેવા માટે રાષ્ટ્રીય સુરક્ષા એ મોદી સરકારનું એક બહાનું છે. થોમસ આઇઝેકે જણાવ્યું હતું કે આર્થિક મંદી એ કુલ ડિમાન્ડમાં ઘટાડાનું પરિણામ છે. આ પરિણામ સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. ઓટો કારથી લઇને બિસ્કીટ સુધીના કન્ઝયુમર ગુડ્‌ઝના વેચાણમાં ઘટાડો થયો છે. ઇન્વેસ્ટરી વધી રહી છે અને ફેક્ટરીઓ બંધ પડી રહી છે. ગ્રાહકો હવે ખરીદી કરતાં નથી.