(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧પ
ગરીબ લોકો માટે સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાને અનાજ, કેરોસીન વગેરે આપવામાં આવે છે ત્યારે બોગસ રીતે અન્ય લોકોના નામે ગેરરીતિ કરી બારોબાર અનાજ, કેરોસીનનો જથ્થો ઉપાડી કાળાબજારિયાઓ દ્વારા કાળાબજારમાં વેચી દેવાતો હોવાની સંખ્યાબંધ ફરિયાદો વારંવાર ઉઠવા છતાં રાજ્યમાં તેની વહી હજુ ફૂલે ફાલી રહી હોવાની વિગતો ખુદ સરકારી દફતરેથી બહાર આવવા પામી છે. કાળાબજારિયાઓના ગોરખધંધાની ફરિયાદો વચ્ચે સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં ૧૭પ૮૪ રેડ પાડવામાં આવી હતી અને તેમાં ૪પ.૬૮ લાખનો જથ્થો રાજ્યસાત કરી ર.૩૧ કરોડનું દેવું વસૂલવામાં આવ્યું હતું પરંતુ આટલા બધી રેડ પાડી હોવા છતાં સરકારી તંત્રને કડક પગલાં તરીકે માત્ર ૭ કેસમાં જ પીબીએમ એકટ હેઠળ કાર્યવાહી કરવાનું મુનાસીબ લાગ્યું હોવાની વિગતો બહાર આવતાં આશ્ચર્ય ઊભું થયું છે. સરકાર એક તરફ ભ્રષ્ટાચાર નાબૂદીની અને પારદર્શકતાની વાતો કરાય છે તો બીજી તરફ રાજ્યમાં મોટાપાયે સસ્તા અનાજની દુકાનોમાંથી ગરીબોનું અનાજ-કેરોસીન વગેરેનો મોટાપાયે જથ્થો બોગસ રીતે બારોબાર પગ કરી જતું હોવાની ફરિયાદો ઉઠતી રહે છે અને આ મુદ્દે વિપક્ષ કોંગ્રેસ તરફથી રજૂઆતો પણ કરાય છે આજે પણ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ દ્વારા આ મુદ્દો ઉઠાવતા તેનો યોગ્ય જવાબ સરકાર તરફથી આપવાને બદલે આખો મુદ્દો જ અન્ય દિશામાં વાળવાનો પ્રયાસ કરાયો હતો. આવી સ્થિતિ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નો અંગે ખુદ અન્ન નાગરિક પુરવઠા મંત્રીએ જ આપેલ જવાબમાં મોટાપાયે કાળાબજાર થઈ રહ્યો હોવાની વિગતો બહાર આવતા વિપક્ષની વાતને બળ મળ્યું છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કાળાબજાર અટકાવવા કુલ ૧૭,પ૮૪ રેડ પાડવામાં આવી હતી. જેમાં રૂા.૪પ.૬૮ લાખનો જથ્થો રાજ્યસાત કરવામાં આવ્યો હતો અને ર.૩૧ કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હોવાનું મંત્રીએ જવાબમાં જણાવ્યું છે જ્યારે આટલી બધી રેડ અને કેસ હોવા છતાં તેમાં કાળાબજાર અટકાવવા સરકાર દ્વારા કડક પગલાં લેવાને બદલે માત્ર દંડ ભરી જવા દીધા હોય તેમ જણાઈ આવે છે કેમ કે, આટલા બધા કેસો પૈકી માત્ર સાત કેસમાં જ પીબીએમ એકટ (કાળાબજાર અટકાવવાની કલમ) હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત આ કેસો પૈકી ૭૯ પરવાનાઓ રદ કરવામાં આવ્યા હોવાનું જવાબમાં વધુમાં જણાવાયું છે. રાજ્યમાં મોટાપાયે અનાજ-કેરોસીનનો કાળાબજાર કરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદોને પગલે આટલા મોટા પ્રમાણમાં કેસ બહાર આવવા છતાં કડક કાર્યવાહીનો અભાવ જોવા મળી રહ્યો છે.