ડીસા, તા.૧પ
નડાબેટમાં આવેલી ભારત-પાકિસ્તાન બોર્ડર પર તીડનું ઝુંડ દેખાયું છે. બોર્ડર પરથી લાખોની સંખ્યામાં તીડનું ઝુંડ આવતું જોવા મળ્યું છે. આ તીડ બોર્ડરની ફેન્સિંગ પર બેસેલા પણ જોવા મળ્યા છે. જેથી ગુજરાતના સરહદી વિસ્તારોમાં ફરીથી તીડનું આક્રમણ થાય તેવી શક્યતા છે. જોકે પવનની દિશા પરથી નક્કી થશે કે તીડ ક્યાં જશે. અગાઉ પણ પવનની દિશા મુજબ જ તીડ અલગ અલગ ઝુંડમાં ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને છેક મહેસાણા સુધી આવી પહોંચ્યા હતા.
અગાઉ ૩ જાન્યુઆરીએ અબડાસાના સાંઘી દરિયા કાંઠે મોટી સંખ્યામાં તીડના ઝૂંડ આવી ચડ્યાં હતા. તીડને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે, હમણાં થોડા સમય પહેલાં જ સરકારે ઉત્તર ગુજરાતમાં આવી ચડેલા તીડના ટોળાંને કાબૂમાં લીધા હતા. ત્યારે ફરી એક વાર ગુજરાતના કચ્છમાં તીડના ઝૂંડે આક્રમણ થવાની શક્યતાથી લોકોમાં દહેશત જોવા મળી રહી છે.બનાસકાંઠા જિલ્લાના ૧૩ તાલુકાના ૧૧૪ ગામો, મહેસાણા જિલ્લાના ૧ તાલુકાના ૫ ગામો, પાટણ જિલ્લાના ૨ તાલુકાના ૪ ગામો, સાબરકાંઠા જિલ્લાના ૧ તાલુકાના ૧ ગામ મળી કુલ ૪ જિલ્લાના ૧૭ તાલુકાના ૧૨૪ ગામોમાં તીડની હાજરી જોવા મળી હતી. જેથી લોકેશન ટ્રેક કરી આ તમામ વિસ્તારોમાં તીડ નિયંત્રણની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી.