અમદાવાદ, તા.૨૫
રાજ્યમાં ખેડૂતોના માથે આફતોનો વરસાદ થતો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અવાર-નવાર વાવાઝોડા બાદ અતિવૃષ્ટિએ ખેડૂતોને પરેશાન કર્યા, પછી કમોસમી વરસાદે ચિંતા વધારી, ત્યારે હવે તીડના આક્રમણથી ખેડૂતોને રોવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાવા જઈ રહી છે. આમ, ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે.
૨૦૧૯ના વર્ષે સારા પાકની આશા સાથે ગુજરાતના ખેડૂતોએ વિક્રમજનક વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લા એક વર્ષમાં સતત કુદરતી આપત્તિઓના કારણે ગુજરાતનો ખેડૂત પાયમાલ થઈ ગયો હોય તેવી સ્થિતિમાં મુકાઈ ગયો છે. જૂન મહિનામાં વાયુ વાવાઝોડાથી ખેડૂતો પર શરૂ થયેલી આફત સતત ચાલુ રહી હતી. જેમાં જુલાઈ-ઓગસ્ટમાં ભારે વરસાદ પડ્યો હતો. સપ્ટેમ્બરમાં હિક્કા વાવાઝોડું, ઓક્ટોબરમાં એક પછી એક બે વાવાઝોડા, નવેમ્બરમાં મહા વાવાઝોડું અને કમોસમી વરસાદ અને ચાલુ મહિને તીડનું આક્રમણ. આમ ૬ મહિના ૬ મોટી કુદરતી આપત્તિઓના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગુજરાતમાં ૫૩.૧૯ લાખ ખેડૂતો છે. આ વર્ષે ખેડૂતોએ ૮૬.૨૦ લાખ હેક્ટરમાં ૧૦૨ ટકા ખરીફ વાવેતર કર્યું હતું. જેમાં ખેડૂતોએ ડાંગર, મકાઈ, મગફળી અને કપાસનું વાવેતર કર્યું હતું. ગત વર્ષની સરખામણીએ ૩.૬૦ લાખ હેક્ટર વધુ વાવેતર થયું છે. જ્યારે ૧૬ ડિસેમ્બર સુધીમાં રવિ વાવેતર પૂર્ણ થયું હતું. જેમાં ખેડૂતોએ ૨૯.૫૦ લાખ હેક્ટરમાં ૯૫ ટકા વાવેતર કર્યું છે. જેમાં રાઈ, જીરૂ, ઘઉં, મકાઈ અને કઠોળનું વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ ૫.૬૧ લાખ હેક્ટરમાં વધુ વાવેતર થયું છે. ૧૨મી જૂને મધરાતથી કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વાયુ વાવાઝોડું આવ્યું હતું. વાવાઝોડાનું અસરથી ગુજરાતભરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેથી ખેડૂતો પાકનું વાવેતર કર્યું હતું. જોકે, વાવાઝોડું ફટાઈ જતાં વરસાદ પણ બંધ થઈ ગયો હતો. વાવાઝોડા ૧૫ દિવસ સુધી ચોમાસું ખેંચાયું હતું. જેથી ખેડૂતો પાયમાલ બન્યા હતા. અને વરસાદ માટે રાહ જોઈ રહ્યાં હતા. ૧ જુલાઈથી ગુજરાતમાં ચોમાસું બેસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ હતો. ધોધમાર વરસાદના કારણે વાવેતરની કામગીરીની વેગ મળ્યો હતો. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ૨૭ ઇંચ વરસાદ પડ્યો હતો. ૨ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદનો ટાર્ગેટ પૂરો થઈ ગયો હતો એટલે કે, સિઝનનો ૧૦૦ ટકા વરસાદ નોંધાયો હતો. જેથી ખેતરોમાં પાણી ભરાવા લાગ્યા હતા. સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં ૧૨૮ ટકા વરસાદ નોંધાયો હતો. જેથી ગુજરાતમાં અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ હતી. ગુજરાતના ૨.૮૪ લાખ હેક્ટરમાં ખરીફ વાવેતરને નુકશાન થયું હતું. રાજ્યના ૧૩ જિલ્લા અસરગ્રસ્ત થયા હતા. ૨૩મી સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં હિક્કા નામનું વાવાઝોડું સક્રિય થયું હતું. જોકે ૨૫ સપ્ટેમ્બરના રોજ ’હિક્કા’ ઓમાન તરફ ફંટાઈ ગયું હતું. જેની અસર સ્વરૂપે સૌરાષ્ટ્ર-કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો હતો પવન સાથે વરસાદ પડ્યો હતો. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને ૧૦૯ કરોડના પાકને નુકશાન થયું હતું. ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં કમોસમી વરસાદની સિઝન શરૂ થઈ હતી. અરબી સમુદ્રમાં ૨૯ ઓક્ટોબરે ક્યાર વાવાઝોડાનો ખતરો મંડરાયો હતો. જેથી ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. આમ વાવાઝોડા સાથે કમોસમી વરસાદથી મગફળી, કપાસ, ડાંગરનો બચેલો પાક પણ નિષ્ફળ ગયો હતો. ક્યાર વાવાઝોડું ફટાતા અરબી સમુદ્રમાં વધુ એક વાવાઝોડું ત્રાટકવાની શક્યતા હતી. ૬-૭ નવેમ્બરે મહા વાવાઝોડું ત્રાટકવાની આગાહીના પગલે વરસાદનો રાઉન્ડ ચાલુ રહ્યો હતો. જેથી અતિવૃષ્ટિ બાદ ખેડૂતોને માથે કમોસમી વરસાદની માર પડી હતી. કપાસ, ડાંગર અને મગફળીના પાકને ૮૦થી ૧૦૦ ટકાનું નુકશાન થયું હતું. જોકે, આ વાવાઝોડું નબળું પડી ડિપ ડિપ્રેશન ફેરવાઈ ગયું હતું. ૧૩ ડિસેમ્બર રાજસ્થાનના ભાટડી ગામથી ગુજરાતના વાવમાં કરોડો તીડનું આક્રમણ થયું હતું. જે હજુ સુધી યથાવત છે. તીડના આક્રમણના કારણે લાખો હેક્ટરમાં ફેલાયેલા એરંડા, રાયડો, કપાસ, ઘઉ, વરિયાલી સહિતના પાકોને નુકશાન થયું છે. તીડનું આક્રમણ ગુજરાતના ત્રણ જિલ્લા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા તેમજ સાબરકાંઠા, કચ્છના અનેક ગામોના લાખો હેક્ટર ખેતીને નુકશાન કરીને આગળ વધી રહ્યું છે. આમ ખેડૂતોના માથે એક પછી એક વાવાઝોડું, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ અને હવે તીડનું જોખમ તોળાઈ રહ્યું છે.