નવી દિલ્હી, તા. ૬
દિલ્હીમાં સીલિંગની કાર્યવાહીમાં વિઘ્ન મુકનારા ભાજપના કોર્પોરેટર મુકેશ સૂર્યાને સુપ્રીમ કોર્ટમાં સોગંધનામું દાખલ કરીને માફી માંગી. કોર્ટે ચેતવણી આપતા કહ્યું હતું કે, જો હવે ફરી વાર આવી હરકત કરી તો કોર્ટમાં સુટકેસ લઈને જ આવજો, અહીંથી સીધા જ તિહાડ જેલ મોકલી દઈશું. નજફગઢ ઝોનની વોર્ડ કમિટીના ચેરમેન મુકેશ સૂર્યાન પર આરોપ હતો કે, તેમણે સીલિંગ ડ્રાઈવ સાથે સંકળાયેલા અધિકારીઓન કામ કરતા અટકાવ્યા. જેના કારણે નોટિસ ફટકારતા કોર્ટમાં હાજર થવાનું જણાવ્યું હતું. મુકેશ સૂર્યાને સુપ્રીમ કોર્ટમાં માફી માંગી અને આ મુદ્દે કોર્ટમાં સોગંધનામું પણ દાખલ કર્યું. કોર્ટે ચેતવણી આપતા મુકેશ સૂર્યાને કહ્યું હતું કે, ભવિષ્યમાં જો ફરીથી સીલિંગમાં વિક્ષેપ ઉભો કર્યો તો કોર્ટમાં હાજર થતા પહેલા સૂટકેસ લઈને સુપ્રીમ કોર્ટ આવજો, અહીંથી જ તમને તિહાડ જેલ મોકલી આપીશું. સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી સીલિંગ મામલે સુનાવણી કરતાં કરી હતી. ગત સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દિલ્હી સીલિંગ કાર્યવાહીમાં કોઈની પણ દાદાગિરી સાંખી લેવામાં આવશે નહીં. સાથે જ દિલ્હીમાં કચરાના મામલે પણ સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. જેના માટે કોર્ટે ઉપરાજ્યપાલને પણ ઠપકો આપ્યો. કોર્ટે કહ્યું હતું કે, માત્ર દક્ષિણ દિલ્હીમાંથી જ ૧૮૦૦ ટક કચરો રોજ એકત્ર થાય છે. તમારૂ વેસ્ટ મેનેજમેંટ પ્લાંટ ડિસેમ્બર સુધીમાં શરૂ થશે. તમને અંદાજ પણ છે કે, ત્યાં સુધી કેટલો કચરો ભેગો થશે? ૭ લાખ ટન કરતા પણ વધારે.