(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
દેશની સૌથી મોટી તિહાર જેલમાં ર,ર૯૯ મુસ્લિમ કેદીઓ સાથે પ૯ હિન્દુ કેદીઓ પણ રમઝાનના રોઝા રાખી રહ્યા છે. તેમાંના પ્રત્યેક પાસે રોઝા રાખવાનું પોતાનું વિશેષ કારણ છે. ૪પ વર્ષીય મહિલા પોતાના પુત્રના કલ્યાણ માટે રોઝા રાખી રહી છે તો અન્ય એક કેદી વહેલીતકે જેલમુક્ત થવાની આશામાં રોઝા રાખી રહ્યો છે. એક મહિના પહેલાં જ જેલમાં આવનાર એક ર૧ વર્ષીય કેદીએ જણાવ્યું કે તે પોતાના મુસ્લિમ સાથીઓને જોઈને સૌહાર્દ માટે રોઝા રાખી રહ્યો છે. તાપમાનના વધતા સ્તરને ધ્યાનમાં રાખતા જેલ અધિકારીઓ દ્વારા રોઝા રાખનારા કેદીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે દરેક જેલમાં રોજેરોજ ઈફતારનો સમય પ્રદર્શિત કરતા બોર્ડ લગાવવામાં આવ્યા છે તેમજ ઈફતાર માટે રૂહઅબઝા આપવાના પણ આદેશ અપાયા છે. સવારે સહેરી અને નમાઝ માટે પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે.