જામનગર, તા.૨૫
જામનગરના જનતા ફાટક વિસ્તારથી કૃષ્ણનગર થઈ સોની કન્યા વિદ્યાલય તરફના માર્ગ પર આવેલા એક કારખાના નજીક આજે સવારે જામનગર મહાનગર પાલિકાના કામદાર દ્વારા સફાઈ કરવામાં આવી રહી હતી. ત્યારે એક ખાલી ખોખામાં એલાર્મ ઘડિયાળ તેમજ મોબાઈલ ફોનની બેટરી અને ૧૦ સુતળી બોમ્બ જોવા મળતા આ કામદારે પ્રથમ તો કંઈ જ વિચાર્યા વગર તે બોક્સને એક તરફ હડસેલી દીધુ હતું ત્યાર પછી આ વસ્તુ શું હતી તેવું કુતૂહલ જાગતા તેણે બોક્સ પર ફરીથી નજર નાખતા તેના શરીરમાં ભયનું લખલખુ પ્રસરી ગયું હતું.
ઉપરોક્ત વસ્તુઓ ટાઈમ બોમ્બ તો નથી ને તેવી ઉપજેલી શંકાના પગલે સફાઈ કામદારે અન્ય વ્યક્તિને જાણ કરતા પોલીસ કંટ્રોલને ફોન મારફતે વાકેફ કરવામાં આવ્યું હતું અને જિલ્લા પોલીસવડા શરદ સિંઘલને માહિતી અપાતા તેઓની સૂચનાથી સિટી-સી ડિવિઝનનો પોલીસ કાફલો યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે ધસી ગયો હતો.
પોલીસે ત્યાં પહોંચી સમયસૂચકતા વાપરી આખા વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. જ્યારે બીડીડીએસના સ્ટાફે તે બોક્સ પાસે સાવચેતીપૂર્વક પહોંચી નિરીક્ષણ કરતા તેમાં ૧૦ સુતળી બોમ્બ, સસ્તા પ્રકારની ઘડિયાળ (એલાર્મ) તથા મોબાઈલમાં વપરાતી બેટરી જોવા મળ્યા હતા, પરંતુ તે ખોખામાં ડીટોનેટર જોવા નહીં મળતા બીડીડીએસના સ્ટાફે હાશકારો અનુભવી સ્થળ પર આવી પહોંચેલા એસપી સિંઘલને તેનાથી વાકેફ કરી આ ચીજવસ્તુઓ ટાઈમ બોમ્બ નથી. પરંતુ કોઈએ આ વિસ્તારમાં રહેતા લોકોમાં ભય ફેલાવવા ટિખ્ખળ કરવાના ઈરાદે ઘડિયાળના બોક્સમાં વ્યવસ્થિત રીતે સુતળી બોમ્બ, એલાર્મ તથા બેટરી ગોઠવી વિકૃત આનંદ મેળવ્યો હોવાનું જણાવતા પોલીસના શ્વાસ હેઠા બેઠા હતા. પોલીસે ઉપરોકત ચીજવસ્તુઓ કબજે કરી છે અને તે સ્થળે આ કોણે મૂક્યા ? તેની તપાસ આરંભી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસોથી આવી રીતે જામનગર શહેરમાં સમયાંતરે પોલીસને દોડાવતી અફવાઓ પ્રસરી રહી છે. હજુ ગઈકાલે જ ફાયરીંગ થયું હોવાના ખોટા અહેવાલે દોડધામ કરાવી હતી.