(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
ટાઈમ મેગેઝિને પોતાની નેકસ્ટ જનરેશન લીડર ર૦૧૭ની યાદીમાં ગુરમેહર કૌરને સામેલ કર્યા છે. મેગેઝિને ગુરમેહરને ફી સ્પીચ વોરિયરનો ટાઈટલ આપ્યો છે. કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા કેપ્ટન મનદીપસિંહની પુત્રી ગુરમેહર આ વર્ષની શરૂઆતમાં લાઈમલાઈટમાં આવી હતી. તેણીએ એબીવીપી વિરૂદ્ધ એક અભિયાન ચલાવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં દિલ્હી યુનિ.ના લેડી શ્રી રામકોલેજમાં ભણનારી કૌરે સોશિયલ મીડિયા પર એબીવીપી વિરૂદ્ધ કેટલાક ફોટાઓ પોસ્ટ કર્યા હતા જેમાં લખ્યું હતું કે, હું દિલ્હી યુનિ.ની વિદ્યાર્થિની છું અને એબીવીપીથી નથી ડરતી. હું એકલી નથી ભારતનો દરેક વિદ્યાર્થી મારી સાથે છે. આ પોસ્ટ બાદ કૌર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ ગઈ હતી અને તેમને રેપ સુધીની પણ ધમકી મળી હતી. સોશિયલ મીડિયા પર વિરેન્દ્ર સહેવાગ અને રણદીપ હુડાએ પણ ગુરમેહર કૌરનો વિરોધ કર્યો હતો. ત્યાં જ ગુરમેહર કૌરનો એક વીડિયો સોજર ઓફ પીસે પણ વાયરલ થઈ ગયો હતો. જેમાં તે કહી રહી હતી કે, મારી માં એ મને કીધું છે કે પાકિસ્તાનીઓએ માતા પિતાને નથી માર્યા પણ યુદ્ધે તેમને માર્યા છે. આજ હું પણ એક સૈનિક છું મારા પિતાની જેમ. હું ભારત અને પાકિસ્તાનની વચ્ચે શાંતિ થઈ શકે એના માટે લડાઈ લડી રહી છું. જો બન્ને દેશો વચ્ચે યુદ્ધ ન થયો હોત તો આજે મારા પિતા મારી સાથે હોત.