નવી દિલ્હી, તા. ૪
પોતાના મુસ્લિમ વરોધી વલણ માટે જાણીતી ન્યૂઝ ચેનલ ટાઇમ્સ નાઉના એક ડિબેટ શોનો વીડિયો ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. કેરળમાં હિંદુ યુવતીઓના કથિત રીતે ધર્માંતરણ કરાવવા મામલે આયોજિત શોમાં ગુપ્તચર એજન્સી રોના પૂર્વ અધિકારી આર.એસ.એન. સિંહ દ્વારા અપાયેલા નિવેદન બાદ વિવાદ શરૂ થઇ ગયો છે. ડિબેટ શોમાં જે વીડિયો વાઇરલ થઇ રહ્યો છે તેમાં આરએસએન સિંહ હઝરત મોહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબનું અપમાન કરતા દેખાઇ રહ્યો છે.
વીડિયોમાં કટ્ટરવાદી વિચારધારાવાળા આરએસએન સિંહ કાશ્મીર અને પાકિસ્તાન અંગે ચર્ચા કરતા મોહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબ માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરતા દેખાઇ રહ્યો છે. આ ઉપરાંત તે ઇસ્લામના ચોથા ખલીફા હઝરત અલી (રદી.)ને હત્યાના આરોપ સાથે જોડતાં ખોટી અને ઉપજાવી કાઢેલી જાણકારીઓ આપી રહ્યો હતો. આ વીડિયો વાઇરલ થતા મુસ્લિમ સમુદાયના યુઝર્સ તરફથી આકરી પ્રતિક્રિયાઓ શરૂ થઇ ગઇ હતી. કેટલાકે તો સિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવાની પણ વાત કરી હતી. દરમિયાન આ ટિપ્પણી બાદ ટાઇમ્સ નાઉએ ખેદ વ્યક્ત કર્યો હતો. ટાઇમ્સ નાઉના ચીફ એડિટર રાહુલ શિવશંકરે આ મામલે ખેદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એક પેનલિસ્ટ દ્વારા હઝરત મોહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)નું અપમાન કરવાનુ મારા ધ્યાન આવ્યું છે. હું એકતામાં વિશ્વાસ રાખું છું અને તેનું સમર્થન કરૂ છું. મારી સામે આ અંગેની જાણકારી આવી છે તેથી મને આ બાબતનું દુઃખ છે અને હું પોતાને આનાથી અલગ રાખું છું અને આ પ્રકારની ટીપ્પણી અંગે અફસોસ વ્યક્ત કરૂ છું.