(એજન્સી) ઇસ્લામાબાદ, તા. ૨૮
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાએ બુધવારે રાજ્યના ચિત્રદુર્ગમાં પત્રકારોને કહ્યું હતું કે પાકિસ્તાનના બાલાકોટમાં ભારતની એરસ્ટ્રાઇક કર્ણાટકમાં ૨૨ સીટ જીતવામાં ભાજપને સહાયરૂપ થશે. બાલાકોટમાં એરસ્ટ્રાઇકથી દેશમાં મોદીના સમર્થનમાં લહેર બની છે. ભારતને ટોણો મારવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાનની પાર્ટી – પાકિસ્તાન તેહરિક-એ-ઇન્સાફે યેદિયુરપ્પાની આ ટિપ્પણીનો ઉપયોગ કર્યો છે. યેદિયુરપ્પાની આ ટિપ્પણીથી માત્ર ભાજપ જ નહીં પરંતુ દેશ પણ શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયો હોવાનું લાગે છે. પાકિસ્તાન તેહરિક-એ-ઇન્સાફેઆરોપ મુક્યો છે કે ભારતમાં યોજાનારી લોકસભાની આગામી ચૂંટણીઓમાં વિજય હાંસલ કરવા માટે હતાશ થઇ ગયેલા લોકો દ્વારા યુદ્ધની અફવાઓ ફેલાવીને ભારતીયોને મુર્ખ બનાવવામાં આવી રહ્યા છે. ગુરૂવારે ઇમરાનખાનની પાર્ટીએ યેદિયુરપ્પાની ટિપ્પણીને વખોડી કાઢતા વરિષ્ઠ પત્રકાર બરખાદત્તના ટિ્‌વટને ટાંકીને તેના હેન્ડલથી ઉપરોક્ત ટિ્‌વટ કર્યુ હતું. લગભગ અડ્‌ધા કલાક પછી પાકિસ્તાન તેહરિક-એ-ઇન્સાફ પાર્ટીએ અન્ય એક ટિ્‌વટ પોસ્ટ કરીને એવો આરોપ મુક્યો કે ચૂંંટણીની યુક્તિઓ તરીકે યુદ્ધનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ભાજપના નેતા યેદિયુરપ્પાની ટિપ્પણીએ ભારત વિભાજિત હોવાનું પ્રોજેક્ટ કરવા અને ઇન્ડો-પાક કટોકટી પુલવામા હુમલાની પ્રતિક્રિયા નહીં પરંતુ ભાજપના ચૂંટણી પ્લાનનું પરિણામ હોવાનું દર્શાવવાની પાકિસ્તાનને એક તક આપી છે. યેદિયુરપ્પાએ બાદમાં એવી સ્પષ્ટતા કરી હતી કે તેમની ટિપ્પણીઓને ખોટા સંદર્ભમાં લેવામાં આવી છે પરંતુ જે નુકસાન થવાનું હતું તે થઇ ગયું. અગાઉ, કોંગ્રેસ સહિત ૨૧ વિરોધ પક્ષોએ બુધવારે આતંકવાદ સામેની લડાઇમાં સશસ્ત્ર દળોની સાથે એકતા દર્શાવી હતી. જોકે, વિરોધ પક્ષોએ ભાજપ સામે આરોપ પણ મુક્યો હતો કે ભાજપના નેતાઓ પુલવામા હુમલા બાદ જવાનોની શહાદતનું રાજકીયકરણ કરી રહ્યા છે.