(એજન્સી) બેંગ્લુરૂ, તા.૩૦
કર્ણાટકમાં બી.એસ. યેદિયુરપ્પાની આગેવાની હેઠળની ભાજપ સરકારે ૧૮મી સદીના મૈસૂરના શાસક ટીપુ સુલતાનની જન્મજયંતીની ઉજવણીનો કાર્યક્રમ રદ કર્યો. મુખ્યમંત્રીએ કન્નડ અને સાંસ્કૃતિક વિભાગને આદેશ આપ્યો કે આ વર્ષે ટીપુ જયંતીની ઉજવણી કરવામાં આવશે નહીં. કર્ણાટકમાં સત્તા સંભાળ્યાના ત્રણ દિવસ પછી અને વિશ્વાસ મત મેળવ્યા પછી બીજા જ દિવસે એમણે આ પ્રકારનો નિર્ણય કેબિનેટ મીટિંગમાં લીધો હતો. ભાજપ ધારાસભ્ય કે.જી.બોપૈયાની અરજીના પગલે યેદિયુરપ્પાએ નિર્ણય લીધો હતો. ધારાસભ્યે વિનંતી કરી હતી કે કોડાગુ જિલ્લામાં ટીપુ જયંતીની ઉજવણીનો વિરોધ કરાય છે એ માટે ઉજવણી રદ કરવામાં આવે. ર૦૧પના વર્ષમાં ટીપુ જયંતીની પ્રથમ વખત ઉજવણી થઈ હતી જેનો ભાજપ અને વીએચપીએ સખ્ત વિરોધ કર્યો હતો. એ વિરોધ પ્રદર્શનોમાં વીએચપીના કાર્યકર્તા કટ્ટપ્પાનું મૃત્યુ થયું હતું. દરમિયાનમાં કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ ભાજપ ઉપર બિનસાંપ્રદાયિક નહીં હોવાના આક્ષેપો મૂકયા. એમણે કહ્યું મેં ટીપુ જયંતી ઉજવણીની શરૂઆત કરી હતી. મારા મતે દેશના એ પ્રથમ સ્વતંત્રતા સેનાની હતા. ર૦૧પના વર્ષથી પ્રત્યેક વર્ષે નવેમ્બર મહિનામાં ટીપુ જયંતી ઉજવવામાં આવે છે તે જ વર્ષથી ભાજપ ટીપુ જયંતીની ઉજવણીનો વિરોધ કરી રહી હતી.