(એજન્સી) લંડન, તા.૧૩
લંડનમાં હેરિટેઝ ગ્રુપની ટીકા વચ્ચે ૧૮મી સદીના ભારતીય શાસકની હોવાનું માનવામાં આવતી અંગૂઠીને હરાજીમાં વેચવામાં આવી હતી. રીંગ તેની અંદાજિત કિંમત કરતા દસગણી વધુ કિંમતમાં ક્રિસ્ટીની હરાજી હાઉસ દ્વારા ૧,૪પ,૦૦૦ પાઉન્ડમાં વેચવામાં આવી હતી. અંગૂઠી પર દેવનાગિરી લિપીમાં હિન્દુ ભગવાન રામ લખેલું છે. બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના દળો સામે લડાયેલ વર્ષ ૧૭૯૯ના શ્રીરંગપટ્ટનમ યુદ્ધના અંતે ટીપુ સુલતાનના મૃતદેહમાંથી આ રીંગને કથિત રીતે કાઢી લેવાઈ હતી. હરાજીની યાદીમાં નોંધ્યું છે કે એક હિન્દુ ભગવાનનું નામ ધરાવતી રીંગ મહાન મુસ્લિમ યોદ્ધાઓ પહેરી હોય એ ખૂબ જ આશ્ચર્યજનક છે. સંભવિત છે કે રીંગને કદાચ ટીપુ સુલતાનના સંગ્રહમાંથી લેવામાં આવી હોય. બીબીસીના તામિલ વિભાગના મનિવન્નન થિરૂમલાઈએ જણાવ્યું હતું કે, ટીપુ સુલતાન મૈસૂરના ટાઈગર તરીકે ઓળખાય છે અને તેને પ્રગતિશીલ શાસક માનવામાં આવતો હતો. ટીપુ સુલતાને તેમના પિતા હૈદરઅલીના સફળ શાસન પછી ૧૭ વર્ષ સુધી રાજ્ય પર શાસન કર્યું હતું. ભારતના નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સના પ્રોફેસર એસ. સત્તારે કોઈપણ ખાનગી બિડરને તેના વેચાણ માટે ચેતવણી આપી હતી અને અંગૂઠીને પાછી મેળવવા કાયદા અને રાજદ્વારી એવા તમામ ઉપલબ્ધ માર્ગોનો ઉપયોગ કરવા સરકારને અપીલ કરી હતી. રીંગને અગાઉ ક્રિસ્ટીઝ દ્વારા વર્ષ ર૦૧રમાં વેચવા માટે સૂચિબદ્ધ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ તે વેચાણમાંથી પાછી ખેંચી લેવામાં આવી હતી.