(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૬
વડોદરા શહેરમાં વિવિધ સ્થળોએ થયેલી ૧૫ ઓગસ્ટની ઉજવણી વચ્ચે વોર્ડ નંબર ૫ના ભાજપના કાઉન્સિલરે તિરંગા ધ્વજ અને પાર્ટીના ઝંડાને રસ્તાની બાજુમાં ફેંકી દીધા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં દેખાય છે કે ભાજપના વોર્ડ નંબર ૫ના કાઉન્સિલર હસમુખ પટેલ પોતાની ગાડી ઊભી રખાવે છે અને અંદરથી ઝંડા લઈને રસ્તાની બાજુમાં નાંખીને પછી ગાડીમાં બેસીને રવાના થઈ જાય છે. આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા બાદ ભાજપમાં પણ ખળભળાટ મચી ગયો હતો. શહેર ભાજપના નેતાઓ પાસે પણ આ વિડીયો પહોંચ્યા બાદ હવે શહેર ભાજપ પ્રમુખ રંજનબેન ભટ્ટે આ વીડિયોની સત્યતા અંગે ખુલાસો કરવા માટે હસમુખ પટેલને જણાવ્યું છે. બીજી તરફ કાઉન્સિલર હસમુખ પટેલે જણાવ્યું હતું કે, મહિલા મોરચાની તિરંગા યાત્રામાં સામેલ થનારા ડીજે પર પાર્ટીના ઝંડા ડેકોરેટ કરવાના હતા. આ ઝંડા લાવવાની કામગીરી મારી હતી. જે જગ્યાએથી ડીજે લઈ જવાનું હતું તે જ રસ્તા પર મેં ઝંડા મુક્યા હતા. આ ઝંડામાં તિરંગો હોવાની વાત વાહિયાત અને કોઈએ ઉપજાવી કાઢેલી છે. હું તિરંગાના અપમાનનુ વિચારી પણ ના શકું. જ્યારે આ બનાવને શહેર કોંગ્રેસે સખત શબ્દોમાં વખોડી કાઢી ત્રિરંગાનું અપમાન કરનાર હસમુખ પટેલ સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરી છે. ભાજપ કોર્પોરેટરનાં આ કૃત્યને તેમની દેશભક્તિ કેટલી છે તે બતાવે છે.