(એજન્સી) તા.૧૭
માનવાધિકાર કર્મશીલ તિસ્તા સેતલવાડે શનિવારે કોલકાતામાં કહ્યું હતું કે નેશનલ સિટિઝન રજિસ્ટર (એનઆરસી) એક પ્રકારની વિભાજનવાદી રાજનીતિ છે જે રાજ્યો, સમુદાયો અને વિવિધ વર્ગોને એકબીજાના વિરોધી બનાવી રહી છે. તેમણે કહ્યું હતું કે તેમની સંસ્થા સિટિઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ આસામના એનઆરસી ડ્રાફ્ટમાંથી જેમના નામ બહાર રહી ગયા છે તેમને કાયદાકીય મદદ કરશે. તિસ્તા સેતલવાડે કોલકાતામાં એક માનવાધિકાર સંગઠને આયોજિત કરેલા કાર્યક્રમમાં કહ્યું હતું કે, આસામમાં એનઆરસીનો મુદ્દો હતો પરંતુ હવે તેનો ઉપયોગ રાજ્યોનો એકબીજા સાથે સંઘર્ષ કરાવવા માટે, જુદા-જુદા ભાષાકીય સમુદાયોને એકબીજા સાથે લડાવવા માટે અને વિવિધ રાજ્યો વચ્ચે તિરાડો ઊભી કરવા માટે થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળ, મેઘાલય અને અન્ય રાજ્યોએ ખૂબ જ સાવધાન રહેવું જોઈએ. આ રાજ્યોમાં શાંતિ ભંગ કરવા અને અંધાધૂંધી ફેલાવવા માટે એનઆરસીના મુદ્દાનો ઉપયોગ થઈ શકે છે. સેતલવાડે કહ્યું હતું કે આસામમાં માનવાધિકારોનો ભંગ કરવા માટે એનઆરસીનો ઉપયોગ થઈ રહ્યો છે. આ માટે માર્ગદર્શિકા અને પ્રમાણભૂત કાર્યવાહી નક્કી કરવામાં આવી હતી પરંતુ તેમાંથી કોઈનું પણ પાલન થયું નથી. અમે માગણી કરીએ છીએ કે એનઆરસીની પ્રક્રિયા બંધારણની મર્યાદામાં થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે એનઆરસીની અંતિમ યાદીમાં નામ પ્રકાશિત કરાવવા માટે ધસારો કરવાની કોઈ જરૂર નથી. જે લોકોના નામ બાકી છે તેઓને તેમનો પક્ષ મૂકવા માટે યોગ્ય તક મળશે. જે પ્રક્રિયામાં ત્રણ વર્ષ કરતા વધારે સમયની જરૂર હોય તે ત્રણ મહિનામાં કેવી રીતે પૂર્ણ થઈ શકે છે ? આ માનવાધિકારોનો ભંગ છે.
NRCનું રાજકારણ લોકોને વિભાજિત કરવા માગે છે : તિસ્તા સેતલવાડ

Recent Comments