અમદાવાદ, તા.ર૪
અમદાવાદની સેશન્સ કોર્ટે તિસ્તા સેતલવાડની આગોતરા જામીન અરજી રદ કરાઈ છે. જો કે તિસ્તા સેતલવાડે જણાવ્યું છે કે એ સરકારની આ યુક્તિપ્રયુક્તિઓ સામે ઝૂકશે નહીં અને સેશન્સ કોર્ટના આદેશને ગુજરાત હાઈકોર્ટમાં પડકારશે.
તિસ્તાની સામે બનાવટી કેસ દાખલ કરાવવાનો મામલો છે. જેમાં આક્ષેપો મૂકાયા છે કે એમણે સર્વ શિક્ષા અભિયાન હેઠળ શૈક્ષણિક સંસ્થા ‘ખોજ’ દ્વારા છેતરપિંડીઓથી નાણાં મેળવ્યા હતા અને પછીથી એની ઉચાપત કરી હતી.
પણ ખૂબ જ અકળાવનારી બાબત એ છે કે ગુજરાત પોલીસે તિસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ એ દર્શાવીને કરે છે કે તિસ્તા પુરાવાઓ સાથે ચેડાં કરશે. ખોજ પ્રોજેક્ટ ર૦૧૦માં શરૂ કરાયો હતો અને જાન્યુ ર૦૧૪માં પૂર્ણ થયો હતો જે તે વખતે એમના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. એ બેંક ખાતાઓ પણ બીજા એક ખોટા કેસના લીધે ફ્રીઝ કરાયા હતા. છેતરપિંડીના પુરાવાઓ ફક્ત બેંક ખાતાઓ જ છે જ્યારે એ જ ફ્રીજ થયેલ હોય તો કોઈ વ્યક્તિ એની સાથે ચેડા કરી શકે ? આ વાત સરકારને સમજાતી નથી. આ કીમિયો ફક્ત તિસ્તાની પોલીસ કસ્ટડી મેળવવા માટે છે જેથી એમને વધુ ત્રાસ આપી શકાય. સેતલવાડ અને આનંદ બંને સીજેપીના હોદ્દેદારો છે જેમને ર૦૧૪ના વર્ષથી સતત હેરાન કરાઈ રહ્યો છે. સેતલવાડે ધરપકડ ટાળવા ૯ વખત આગોતરા જામીન અરજીઓ કરી છે. કાનૂની લડત લડવા છતાંય એમણે પોતાની સંસ્થાના કાર્યો કરવામાં જરાય ઉણપ દર્શાવી નથી. ખોજ કેસ સરકારના માનીતા અને તિસ્તાના એક પૂર્વ સહયોગી રઈસખાન દ્વારા દાખલ કરાયો હતો. ભૂતકાળમાં પણ એમણે તિસ્તા સામે અનેક બનાવટી કેસો દાખલ કર્યા છે. જેના શિરપાવ તરીકે સરકારે સેન્ટ્રલ વકફ કાઉન્સિલનો સભ્ય બનાવ્યું છે. જે વકીલો ખાનને મદદ કરે છે એ સરકારના વકીલો છે. આ કેસમાં પણ ખાને પહેલાં સીબીઆઈ અને એમએચઆરડી મેળાયીપણું કરી પુરાવાઓ ભેગા કર્યા હતા પણ જ્યારે સફળતા નહીં મળી તો છેવટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સમક્ષ ફરિયાદ કરી. પ મી એપ્રિલે બોમ્બે હાઈકોર્ટે તિસ્તા અને આનંદના વચગાળાના ટ્રાન્ઝિટ જામીન મંજૂર કર્યા હતા. જે બીજી મે ર૦૧૮ સુધી માન્ય હતા. હાઈકોર્ટના આદેશ મુજબ તિસ્તા અને આનંદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં છઠ્ઠી એપ્રિલે ૧૦.૦૦ વાગે પહોંચ્યા હતા. બંનેએ પોતાના નિવેદનો આપ્યા હતા. નિવેદનો ઉપરાંત એમણે દસ્તાવેજો પણ આપ્યા હતા. જેની માગણી કરાઈ હતી. આ પછી જાવેદ આનંદને ફરી વખત બોલાવવા નોટિસ મોકલાવી અને જાવેદ ૧૧મી મેએ બીજી વખત પણ હાજર રહ્યા અને નિવેદનો આપ્યા હતા.
એ પછી સરકારે તિસ્તા સેતલવાડને વિદેશ જવા ઉપર પ્રતિબંધ મૂક્યો. તિસ્તાને કેનેડા અને અમેરિકામાં એક સંસ્થાએ નિમંત્રણ આપ્યું હતું. તિસ્તાને રોકવાનો કારણ એ હતું કે સરકારને ભય હતો કે તિસ્તા વિદેશમાં જઈ ભારતમાં થઈ રહેલ માનવ અધિકાર ભંગની રજૂઆતો એમની સમક્ષ કરશે. રાજ્ય સરકારે એમને જવા દેવાની ના પાડી. સદનસીબે સુપ્રીમ કોર્ટે તિસ્તાને ધરપકડમાંથી રક્ષણ આપતો આદેશ આપ્યો. આ રક્ષણ એમને ૩૧મી મે ર૦૧૮ સુધી આપવામાં આવ્યું. સેતલવાડ અને આનંદે આગોતરા જામીન માટે અમદાવાદ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી જેનો ચુકાદો કોર્ટે ર૩મી મે સુધી અનામત રાખ્યો હતો.