(એજન્સી) ગુવાહાટી, તા. ૧
લોકોના અધિકાર માટે લડતાં કર્મશીલ તિસ્તા સેતલવાડે રવિવારે શંકાસ્પદ વિદેશીઓના ભવિષ્યને નક્કી કરવા દરમિયાન આસામમાં ફોરેનર્સ ટ્રિબ્યૂનલના કામકાજમાં પારદર્શિતા લાવવા માટે આહવાન કર્યું હતું. ફોરેનર્સ ટ્રિબ્યૂનલ અર્ધ-ન્યાયિક સંસ્થા છે જે ગેરકાયદે વસાહતીઓના શંકાસ્પદ લોકોની નાગરિકતા અંગે નિર્ણય કરે છે. મુંબઇ ખાતેના એનજીઓ સિટિઝન ફોર જસ્ટિસ એન્ડ પીસના સેક્રેટરી તિસ્તા સેતલવાડે કહ્યું કે, અમે હાલ આસામના કેટલાક જિલ્લાઓની મુલાકાત લઇ રહ્યા છીએ અને પુરતા દસ્તાવેજી પુરાવા હોવા છતાં વિદેશી જાહેર કરાયેલા લોકોની સંખ્યા ઘણી મોટી છે. તેમણે કહ્યું કે, તેમની પાસે પુરતા પુરાવા હોવા છતાં ટ્રિબ્યૂનલ્સ દ્વારા મોરિગાંવ, નાગાંવ અને ચિરાંગમાં ઘણા લોકોને વિદેશી જાહેર કરી દેવાયા છે. તિસ્તા સેતલવાડે આરોપ લગાવ્યો હતો કે, પોતાના લક્ષ્યાંક પુરા કરવા માટે એનઆરસી સેવા કેન્દ્રો અને ફોરેન ટ્રિબ્યૂનલ્સ ઉતાવળ કરી રહ્યા છે તેના પરિણામે ગરીબ લોકો, તરછોડાયેલા સમુદાય નાગરિકતા નક્કી કરવાની પ્રક્રિયાની વિસંગતિઓનો ભોગ બની રહ્યા છે. તિસ્તા સેતલવાડે જણાવ્યું હતું કે, એનઆરસીને આસામ સંધિને તેના મૂળ સ્વરૂપમાં બનાવવી જોઇએ જેથી નાગરિકતાની ભારતીય નાગરિકોની સાચી ઓળખ ભૂંસાઇ ના જાય. એડવોકેટ મિહિર દેસાઇ સાથે સેતલવાડે આરોપ લગાવ્યો હતો કે, ઓપન ટ્રાયલને પરવાનગી ન અપાતા ફોરેન ટ્રિબ્યૂનલ્સમાં પારદર્શિતાનો અભાવ છે સાથે જ ભેદભાવથી પ્રક્રિયાને નબળી બનાવવાન્માં આવી રહી છે. મિહિર દેસાઇએ કહ્યું કે, ટ્રિબ્યૂનલની સુનાવણી પારદર્શી હોવી જોઇએ જેથી લોકોને વિશ્વાસ થાય કે, શંકાસ્પદ વિદેશી હોવા બદલ સુનાવણીનો સામનો કરતા લોકોને અન્યાય સહન ના કરવો પડે. દેસાઇએ કહ્યું કે, ઓપન કોર્ટ સુનાવણી ન્યાયનો ચુકાદો છે. જેમાં રેપ, બાળ પીડીત અને પીડિત જ્યાં કેમેરા સામે સુનાવણીની માગ કરતો હોય તેવા જ અપવાદ છે. તેમણે દાવો કર્યો હતો કે, ન્યાયતંત્રના અનુભવના અભાવવાળા જ મોટાભાગના લોકો ફોરેન ટ્રિબ્યૂનલની અધ્યક્ષતા કરે છે. દેસાઇએ એમ પણ જણાવ્યું કે, ફોરેન ટ્રિબ્યૂનલ્સ દ્વારા ખોટી રીતે વિદેશી જાહેર કરાયેલા પૂર્વ સૈન્ય અધિકારી સનાઉલ્લાહ જેવા કેટલાક ઉદાહરણો પણ છે. ૨૦મી સદીના અંત સુધીમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીને જોતા રાજ્યમાં ગેરકાયદેસર વસાહતીઓને ઓળખવા માટે આસામમાં સુપ્રીમ કોર્ટની દેખરેખમાં એનઆરસીના અપડેશનનું અભિયાન ચલાવાયું છે.