વાપી, તા.૯
ગુજરાતમાં પ્રવાસન વિભાગ દ્વારા ઉજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન વલસાડ તીથલ દરિયા કિનારે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં દેશ-વિદેશના પ૨ જેટલા પતંગબાજોએ અવનવી ડીઝાઇનના રંગબેરંગી પતંગોને આકાશમાં ઉડાડીને ભારે આકર્ષણ જમાવ્યું હતું. પતંગ રસિયાઓ વિદેશી પતંગબાજોના કલા-કરતબને માણવા કુટુંબ કબીલા સાથે ઉમટી પડીને અનેરો આનંદ માણ્યો હતો. યુવાનોથી માંડીને આબાલવૃદ્ધ સૌ તીથલના દરિયા કિનારે પતંગબાજોની કલાને નિહાળવા આવી પહોંચ્યા હતા. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૧૮ને વલસાડના તીથલ બીચ ખાતે વન અને આદિજાતિ રાજ્ય મંત્રી રમણભાઇ પાટકરે ખુલ્લો મૂકયો હતો. વલસાડ ખાતેના પતંગ મહોત્સવમાં વિશ્વના ન્યુઝીલેન્ડ, પોલેન્ડ, રશિયા, નેપાલ, સ્કોટલેન્ડ યુક્રેન, રશિયા, વિયેટનામ, ટયુનિશીયા શ્રીલંકા, થાઇલેન્ડ, યુનાઇટેડ સ્ટેટસ સહિત ૧૨ દેશોના ૩૬ અને ભારતના વિવિધ રાજયોના ૧૬ મળી કુલ પ૨થી વધુ પતંગબાજોએ રંગબેરંગી પતંગો ઉડાડીને તિથલ દરિયા કિનારાના આકાશને ભરી દીધું હતું. યુ.કે. લંડનના મીસ સબ્રીના કોની પ્રથમવાર આતંરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં ભાગ લેવા આવ્યા હતા. તેઓ કહે છે કે, અમે લંડનમાં પણ પતંગોત્સવ મનાવીએ છીએ પણ અહી ગુજરાતની સંસ્કૃતિ અનોખી છે. હું ખૂબ જ આનંદિત છું. અહીં પતંગોત્સવ માટે અનુકૂળ વાતાવરણ છે. યુક્રેનના વ્લોદીમાર ઇમીલીયોવ છઠ્ઠીવાર પતંગોત્સવમાં ભાગીદાર બન્યા હતા. તેઓ યુક્રેનવાસી હોવાનો ગર્વ અનુભવે છે. પ્રતિભાવ આપતા જણાવે છે કે, તીથલ દરિયા કિનારો હોવાથી અમને પતંગ ચગાવવાની સારી તક મળી છે.