(સંવાદદાતા દ્વારા)
મહેસાણા, તા.૧૦
કડી તાલુકાના ખેરપુર ગામના એક યુવાનની હત્યાના વિરોધમાં આજે નંદાસણ ખાતે માલધારી સમાજની કાઢવામાં આવેલી રેલી એકાએક તોફાની બની હતી અને પોલીસ સાથે ઘર્ષણ થતાં પરિસ્થિતિ બેકાબૂ બની હતી. જેથી પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયરગેસના ૨૭ સેલ છોડવાની અને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પરિણામે લોકોમાં નાસભાગ મચી જતાં એક તબક્કે ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. આ ઘટનામાં પોલીસે ૧૧૫ શખ્સોની અટકાયત કરી ૫૦થી વધુ વાહનો ડિટેઈન કર્યા હોવાનું જાણવા મળે છે.
તાજેતરમાં કડી તાલુકાના રાજપુર ગામે નજીવી બાબતે સર્જાયેલી તકરારમાં રાજુ દેસાઈ નામના ખેરપુરના યુવાનનું મોત થયું હતું. આ ઘટનાનો વિરોધ કરવા માટે આજે રાજપુર હાઈવે પર માલધારી સમાજના લોકો એકઠા થયા હતા અને નંદાસણ પોલીસ મથક સુધીની રેલી કાઢી હતી. નંદાસણ નજીક પહોંચતાં અહીં ઊભેલા પોલીસ કાફલાએ રેલીને અટકાવી ડીવાયએસપી મંજિતા વણઝારાએ આવેદનપત્ર લઈ રેલીને વિખેરવા જણાવ્યું હતું. જો કે, આ કેસમાં નંદાસણના પૂર્વ સરપંચ અને તેમના દીકરાનું નામ ફરિયાદમાં દાખલ કરવાની માંગ સાથે રેલી પોલીસ મથકે લઈ જવાનો પ્રયાસ થતાં એકાએક પોલીસ અને માલધારીઓ વચ્ચે રકઝક થઈ હતી. જેમાં કેટલાક લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કરતાં જોતજોતામાં મામલો બીચક્યો હતો. પરિસ્થિતિ પારખી પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કરી ટીયરગેસના સેલ છોડતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને નજીકના ખેતરોમાં દોડી ગયા હતા. સર્જાયેલી ઘટનાના પગલે મહેસાણાના પોલીસ અધિક્ષક નિલેશ જાજડિયા સહિતનો પોલીસ સ્ટાફ નંદાસણ પહોંચ્યો હતો અને કાયદો-વ્યવસ્થા જાળવવાની કામગીરી આરંભી હતી. આ ઘટના અંગે નંદાસણ પોલીસ મથકે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરીને વાહનો કબજે લેવા ઉપરાંત કેટલાક લોકો સામે અટકાયતી પગલાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે જ્યારે નંદાસણ અને રાજપુરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.