(એજન્સી) તા.૨૧
પશ્ચિમ બંગાળમાં એક શાળાકીય પુસ્તકમાં ભૂલથી લેજન્ડ એથલિટ મિલ્ખા સિંહની જગ્યાએ ફરહાન અખ્તરની તસવીર છપાઈ જતાં વિવાદ સર્જાયો હતો. જોકે આ દરમિયાન રાજ્યની સરકાર તરફથી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયને સોમવારે ખુલાસો કર્યો હતો કે જે પુસ્તકમાં આ ભૂલ થઈ છે તે પુસ્તક રાજ્ય સરકારના અભ્યાસક્રમ બહારનું છે અને તેનું પ્રકાશન રાજ્ય સરકાર દ્વારા કરાયું નથી. તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું કે અમે અખ્તરને આશ્વાસન આપ્યું છે કે તેઓ એ ખાનગી પ્રકાશન કંપનીને શોધી રહ્યાં છે જેણે સ્કૂલના આ પુસ્તક પર તેમની તસવીર પ્રકાશિત કરી દીધી છે. રવિવારે રાત્રિએ તેમણે ટિ્‌વટ કરી હતી કે આભાર ફરહાન. મિલ્ખા સિંહની જગ્યાએ તમારો ફોટો પ્રકાશિત થયા બાદ ધ્યાન દોરવા બદલ. અમારા રાજ્યના શિક્ષણમંત્રી આ ભૂલને ગંભીરતાથી લઈ રહ્યાં છે. તેમણે અમને જણાવ્યું કે આ પુસ્તક રાજ્ય સરકાર દ્વારા પ્રકાશિત કરાયું નથી અને આ અભ્યાસક્રમ બહારનું પુસ્તક છે. તેમણે કહ્યું કે અમે આ પુસ્તક પ્રકાશિત કરનાર ખાનગી કંપનીને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. અમે આશ્વાસ આપીએ છીએ કે આગામી એડિશનમાં આ ભૂલ નહીં થાય તે સુનિશ્ચિત કરીશું. જોકે ફરહાન અખ્તરે પણ આ મામલે ઓબ્રાયનને આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ટિ્‌વટ કરી કે હું તમારા જવાબની પ્રશંસા કરું છું. નોંધનીય છે કે પુસ્તકમાં પ્રકાશિત થયેલી આ ભૂલ રવિવારે સોશિયલ મીડિયા પર ઘણી વાઈરલ થઇ હતી. અખ્તરે પશ્ચિમ બંગાળની સરકારને આ ભૂલ પર કાર્યવાહી કરવા અપીલ કરી હતી.