(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
વડાપ્રધાન મોદીએ તૃણમુલ કોંગ્રેસના ૪૦ ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને તેઓ ભાજપમાં સામેલ થશે તેવો દાવો સોદાબાજી છે અને તે બદલ વડાપ્રધાનની ઉમેદવારી રદ થવી જોઇએ તેવી માગણી મમતા બેનરજીની પાર્ટીએ ચૂંટણી પંચને કરી છે. વડાપ્રધાન દ્વારા આદર્શ આચાર સંહિતાના ભંગ બદલ ચૂંટણી પંચને અપાયેલા ફરિયાદોમાં આ સૌથી નવી છે. પંચે જણાવ્યું હતું કે, તેઓ પહેલા પડતર ફરિયાદોનો નિકાલ લાવશે જોકે ઝડપી નિકાલ માટે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ પડતર હોવા છતાં ચૂંટણી પંચે આ પ્રકારનો જવાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ પીએમ મોદીએ સેરામપુરમાં એક સભામાં કહ્યુ હતું કે, ‘‘દીદી ૨૩મી મેએ પરિણામના દિવસે દરેક જગ્યાએ કમળ ખીલશે અને તમારા ધારાસભ્યો તમને છોડીને જતા રહેશે. દીદી, આજે પણ તમારા ૪૦ ધારાસભ્યો મારા સંપર્કમાં છે.’’
તૃણમુલ કોંગ્રેસના નેતા ડેરેક ઓબ્રાયને તરત જ વડાપ્રધાન પર સોદબાજીનો આરોપ લગાવી દીધો હતો. તેમણે ટિ્‌વટમાં લખ્યું હતું કે, ‘‘એક્સપાયરી બાબુ, ચાલો આને સીધા જ લઇએ. તમારી સાથે કોઇ નહીં જાય. એક કાઉન્સિલર પણ નહીં. શુંં તમે પ્રચાર કરી રહ્યા છો કે, સોદાબાજી ! તમારી એક્સપાયરી ડેટ નજીકમાં જ છે. આજે અમે ચૂંટણી પંચને ફરિયાદ કરી રહ્યા છીએ. તમારા પર સોદાબાજીનો આરોપ મુકી રહ્યા છીએ.’’ પંચને લખેલા પોતાના પત્રમાં તૃણમુલ કોંગ્રેસે કહ્યું છે કે, વડાપ્રધાનના નિરાધાર, અયોગ્ય અને ગેરકાયદે પ્રચાર તથા ઉચ્ચારણો માટે આકરા પગલાં લેવાની માગણી કરી છે. મોદીએ મતદારોને લુભાવવા માટે એવી છાપ ઉભી કરી છે કે, તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને અમારી પાર્ટી કરતા મોટી પાર્ટી થઇ જશે જેથી મતદારો તેમને મત આપે. તૃણમુલે એવો પણ આરોપ મુક્યો છે કે, ભાજપ ધમકીભર્યા પ્રચાર કરે છે જે ચૂંટણી પંચના આચાર સંહિતા તથા દિશા નિર્દેશનુું ઉલ્લંઘન છે. બીજી તરફ ભાજપ પુલવામા હુમલાના શહીદોના નામે લોકો પાસેથી મતો માગવાના પ્રયાસ કરે છે. આ જ ષડયંત્રનો ઉપયોગ કરીને ભાજપ મતદારોને અન્ય પાર્ટીઓ વિરૂદ્ધ ભડકાવવાનો પ્રયાસ કરે છે. ત્યારપછી તેઓ મતદારોને લુભાવવા માટે ધર્મના નામનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે. પક્ષે પત્રમાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે, હવે તોએ સોદાબાજીના સંકેત આપે છે અને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ માટે ભાજપ સાથે વિપક્ષી દળો કેવી ગોઠવણ કરી રહ્યા છે તે સમજાવી રહ્યા છે.