(એજન્સી) કોલકાત્તા, તા.ર૬
બંગાળની પ્રસિદ્ધ અભિનેત્રી અને ટીએમસીની સાંસદ મુનમુન સેન અને પાકિસ્તાનના ક્રિકેટર ઈમરાનખાન વચ્ચે ૧૯૮૦થી ૯૦ના દશકમાં થયેલી મિત્રતાને હજુ સેન દ્વારા સમર્થન મળી રહ્યું છે. જે અગાઉ પણ ચર્ચાસ્પદ હતી.
મુનમુન સેને કહ્યું કે, તેઓ હજુ પણ પાકિસ્તાનના વડાપ્રધાન અને તેમના જૂના મિત્ર ઈમરાનખાન સાથે જો જરૂર પડશે તો વાતચીત કરશે. એક તરફ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવનું વાતાવરણ છે તો બીજી તરફ મુનમુન સેન અને ઈમરાનખાન વચ્ચેની મિત્રતા પુનઃજીવિત થઈ રહી છે. ઈમરાનખાન મિત્ર છે. અમે કોઈ રીતે સંકળાયેલા નથી. પરંતુ હાલમાં ચાલી રહેલું વિભાજનકારી રાજકારણ ખતરનાક છે. જે પાકિસ્તાનમાં પણ ચાલે છે. સેને કહ્યું કે, દેશ માટે જરૂર પડે તણાવ દૂર કરવા તેઓ ઈમરાનખાન સાથે વાતચીત કરશે તેઓ મારા મિત્ર છે.
બંગાળની સુપ્રસિદ્ધિ અભિનેત્રી સુમિત્રાસેનની પુત્રી મુનમુન સેને કહ્યું કે, જો સરકાર તેમની દૂત તરીકે સેવા લેવા ઈચ્છે તો જરૂરથી તેઓ આ જવાબદારી નિભાવશે. હું મારા તરફથી કોઈ પ્રયાસ નહીં કરું. મમતા બેનરજીએ મારી ઈમરાન સાથેની મિત્રતા અંગે કદી સવાલ કર્યો નથી. મારા પતિ પણ ઈમરાનખાનના મિત્ર છે. પાકિસ્તાની ટીમનું સૂકાની પદ સંભાળનાર ઈમરાનખાનને ૮૦થી ૯૦ના દશકમાં મિત્રતા બંધાઈ હતી. જે અંગે વારંવાર અખબારોમાં સમાચારો આપતા હતા. મુનમુન સેન હાલમાં આસન સોળ મત વિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેણીએ કહ્યું કે, ઘણા વર્ષો પૂર્વે જ્યારે ઈમરાનખાન ભારતમાં રમવા આવ્યા ત્યારે તેમને મળી હતી. હાલમાં મુનમુન સેન ટીએમસીના ઉમેદવાર તરીકે ભાજપના બાબુલ સુપ્રિયોનો મુકાબલો કરી રહ્યા છે. તેમ છતાં સેને વિશ્વભરમાં ભારતનું બહુમાન વધારવા બદલ વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા. પરંતુ દેશની સમસ્યાઓને વડાપ્રધાન મોદી ભૂલી ગયા. ખાસ કરીને બેરોજગારી જેવી સમસ્યાઓથી યુવાનો ખૂબ જ પરેશાન છે. રોજગારી ઊભી કરવાના વચનનું શું થયું ?