(એજન્સી) કોલકાતા, તા.૧૧
તૃણમૂલ કોંગ્રેસે ભાજપ પ્રમુખ અમિતશાહની રેલીને ‘ફલોપ શો’ ગણાવી છે અને શાસક પક્ષના દબાણને કારણે તેમની સભાના ટીવી કવરેજના બ્લેકઆઉટના આરોપને રદિયો આપ્યો છે. ટીએમસીના નેતા ડેરેક ઓબ્રાયને જણાવ્યું કે અમિતશાહની રેલી ફ્લોપ શો હતી અને આજે ભાજપ પ્રમુખે બંગાળનું અપમાન કર્યું છે. અમિતશાહ બંગાળની સંસ્કૃતિ સમજતા નથી અને હળહળ જુઠ્ઠાણાથી તેનું અપમાન કર્યું છે. જો તેઓ આગામી ૭૨ કલાકમાં માફી નહીં માગે તો અમે તેમની સામે કાનૂની કાર્યવાહી કરીશું. અમિતશાહે મુકેલા આરોપો ફગાવતા ટીએમસીના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપનો બંગાળમાં વધુ એક ફલોપ શો પુરો થયો છે. ફલોપ મીટિંગ બાદ ભાજપ હવે બહાના શોધી રહ્યો છે. તેઓ હવે એવું કહી રહ્યા છે કે તેમની સભાનો બ્લેકઆઉટ કરવામાં આવ્યો. બ્લેકઆઉટ અને બ્લેક મેઇલિંગ ભાજપ કરે છે. મીડિયાનું અપમાન ન કરો. બધું જ બતાવવામાં આવ્યું છે. અમે ભાજપને પડકારીએ છીએ કે તેના આરોપો પુરવાર કરે અથવા રાજીનામું આપે.