(એજન્સી) તા.૭
ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રીગો દુતેર્તેએ ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. આ વખતે તેમણે ભગવાન પર ટિપ્પણી કરી દીધી છે. દુતેર્તેએ કહ્યું કે જો કોઈ વ્યક્તિ સાબિત કરી દે કે દુનિયામાં ભગવાન છે તો તે તાત્કાલિક તેમના રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી દેશે. બસ એ વ્યક્તિએ ભગવાન સાથે એક સેલ્ફી કે ફોટો લઈને બતાવવો પડશે. જેથી જાણ થઈ કે કે ભગવાન પણ માનવીથી સંપર્ક કરવા અને તેનાથી વાત કરવાનો ઈચ્છુક અને સક્ષમ છે. રોડ્રિગો દુતેર્તે પહેલા પણ ભગવાન અને ચર્ચ અંગે વિવાદિત ટિપ્પણી કરી ચૂક્યા છે. અમુક સમય પહેલા તેમણે બાઈબલની મજાક ઉડાવી હતી. દુતેર્તેએ ભગવાન માટે વાંધાજનક શબ્દો કહ્યાં હતાં. તેના બાદ કેથોલિક બહુસંખ્યક દેશ ફિલિપાઈન્સમાં મોટો વિવાદ સર્જાયો હતો. શનિવારે દુતેર્તે દાવોસમાં એક વિજ્ઞાન સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે કોઈ મને જણાવે કે ભગવાનના અસ્તિત્વ પાછળ શું લોજિક છે? હું પડકાર ફેંકુ છું કે જો કોઈ વ્યક્તિ ભગવાન સાથે સેલ્ફી લઈને બતાવશે તો હું પદ છોડી દઈશ. તેમના આ કહેતા જ હોલમાં સન્નાટો છવાઈ ગયો હતો. દુતેર્તેને અહેસાસ થઈ ગયો કે તેમણે કંઇક ખોટું કહી દીધું છે. તાત્કાલિક વાતને સંભાળતા તેમણે કહ્યું કે જોકે હું માનું છું કે દુનિયામાં એવી કોઇ શક્તિ જરૂર છે જે તારા અને ખગોળીય ઉલ્કાપિંડોથી માનવજાતિની સુરક્ષા કરે છે. દુતેર્તેએ તેમના ભાષણમાં ચર્ચની પરંપરાઓ પર સવાલો ઊઠાવ્યા અને કહ્યું કે ચર્ચામાં બાળકોને અશુદ્ધ વાતો બતાવાય છે અને પછી તેમને શુદ્ધ કરવા માટે ચાર્જ લેવાય છે.