ટંકારીઆ ખાતે વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટમાં કેજીએન સીસી-ટંકારીઆ ચેમ્પિયન

(સંવાદદાતા દ્વારા)                                 ટંકારીઆ, તા.૬

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે સ્પોટ્‌ર્સ ક્લબ ટંકારીઆ આયોજિત વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ટંકારીઆ ગામની કે.જી.એન. અને અંકલેશ્વરની મતદાર સી.સી. વચ્ચે રમાઈ હતી. જેમાં ટંકારીઆની કે.જી.એન. સી.સી.નો ભવ્ય વિજય થયો હતો.

N-8ગુજરાત ટુડે (દૈનિક)ના તંત્રી અઝીઝ ટંકારવીના હસ્તે ટૉસ ઉછાળી ટંકારીઆની ટીમે ટૉસ જીતી પ્રથમ બેટિંગ કરતા ટંકારીઆની ટીમે નિર્ધારિત ૩૦ ઓવરમાં ૨૧૧ રન ફટકાર્યા હતા જેમાં ટંકારીઆ ગામના લોકલ બોય અફઝલ ખાંધિયાએ ધમાકેદાર ૬૬ રન બનાવ્યા હતા. જેના વળતા જવાબમાં મતદાર સી.સી. ફક્ત ૧૪૭ રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. ટંકારીઆની ટીમ વતી યાસીન પટેલે ૪ વિકેટ, સદ્દામ ખૂણાવાળા, ઝાકીર ઉમતા, ઇમરાન માલજી એ ૨-૨ વિકેટ ઝડપી હતી. બેટિંગ લાઇનઅપમાં મજબૂત ગણાતી મતદાર સી.સી.ના બેટ્‌સમેનો રન બનાવવામાં નિષ્ફળ રહેતા મતદાર સી.સી.નો ૬૪ રનથી પરાજય થયો હતો.

આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ ટંકારીઆ ટીમનો ઉસ્માન બાબરીયા ઉર્ફે આમ્ટે જાહેર થયો હતો. બેસ્ટ બેટ્‌સમેન ઓફ ધ ટુર્નામેન્ટ સીતપોણ ગામના ઇમરાન પટેલ જાહેર થયા હતા. તેમજ બેસ્ટ બોલર ઓફ ધી ટુર્નામેન્ટ  તૌસીફ ઠાકોરને જાહેર કરવામાં આવ્યો હતો તથા આ ફાઇનલ મેચનો મેન ઓફ ધી મેચ ૪ વિકેટ ઝડપનાર યાસીન પટેલ જાહેર થયો હતો. ફાઇનલ મેચ જોવા માટે ગામ પરગામથી વિશાળ સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ પ્રેક્ષકગણ હાજર રહી ફાઇનલ મેચ ની મજા માણી હતી ત્યારે કોમી એકતાના દૃશ્યો સર્જાયા હતા.

N-9મેચના અંતે ઇનામ વિતરણ સમારંભમાં દેશ વિદેશથી પધારેલા મહેમાનો ઇકબાલભાઇ ધોરીવાલા, હનીફ માયાત તથા હસન માયાત, ગુજરાત ટુડેના તંત્રી અઝીઝ ટંકારવી, યુનુસ અમદાવાદી, સલીમ અમદાવાદી, મકબુલ અભલી, અબ્દુલ્લાહ ટેલર, મહમ્મદભાઈ ભાયજી, જાબિર ચોક્સી, અબ્દુલરહેમાન લાકડાવાલા, શકીલ અકુજી, શેરખાન પઠાણ, આદમભાઇ આબાદનગરવાળા, ખેડૂત અગ્રણી જયેશ પટેલ, દિલાવર ઉપરાલીવાળા, ડો. અભિષેક દરજી, દિલાવર બચ્ચા, મહેન્દ્રસિંહ રાજ,  હસુભાઈ પટેલ, મુબારકભાઈ મિનાઝવાળા, ઇશાક રાજ, બશીર ફોજદાર તથા ગામના સરપંચ ઇકબાલ કબીર, ડે. સરપંચ અલ્તાફ ગાંડા, મુબારક ભાણીયા તથા ગામ  પરગામના મહેમાનો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે ગુજરાત ટુડે (દૈનિક)ના તંત્રી અઝીઝ ટંકારવી એ સ્પોટ્‌ર્સ પર ભાર મુકતા યુવાન પેઢીને સ્પોટ્‌ર્સમાં આગળ આવી રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચવા માટે ખંતપૂર્વક મહેનત કરવાની સલાહ આપી હતી તથા તેમણે જણાવ્યું હતું કે રમતગમત ક્ષેત્રે જે કંઈ પણ જરૂરત પડશે તેમાં સહાયરૂપ થવાની ખાતરી ઉચ્ચારી હતી. યુનુસભાઇ અમદાવાદી એ આ મેદાનને ટર્ફ વિકેટમાં તબદીલ કરવા માટે પૂરે પૂરી સહાય કરવાની હૈયાધારણ આપી હતી.

મતદાર ટીમના મેનેજર ઇસ્માઇલભાઈ મતદારે ગ્રામ્ય કક્ષાના ક્રિકેટ ટેલેન્ટને ગ્રામ્ય કક્ષાથી આગળ જિલ્લા તથા રાજ્ય કક્ષાએ પહોંચવા માટે સખત પરિશ્રમ કરી આગળ વધવાની હાકલ કરી હતી.

N-11જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ મહેન્દ્રસિંહ રાજે લોકોને અવરજવરમાં પડતી અગવડતાને દૂર કરી ગામની હાઈસ્કૂલ પાસેથી પસાર થતી કાંસ પર આર. સી.સી. નાળું બનાવવાની જાહેરાત કરી હતી.

ટંકારીઆ ગામના એન. આર. આઈ. ઇકબાલભાઇ ધોરીવાળાએ આ પ્રસંગે વિજેતા ટંકારીઆની ટીમને દરેક પ્રકારની સહાય કરવાની હાકલ કરી હતી અને ફક્ત ક્રિકેટ જ નહીં પરંતુ તમામ રમતગમત ક્ષેત્રે નવયુવાનોએ આગળ પડતો ભાગ ભજવી ગામ અને જિલ્લાનું નામ રોશન કરવાની હાકલ કરી હતી.

સ્પોટ્‌ર્સ ક્લબ ટંકારીઆ ગ્રાઉન્ડના વિકાસના કામો જેવા કે હાઈસ્કૂલ તરફ દીવાલ બનાવવી તથા ક્રિકેટના ખેલાડીઓ માટે ચેંજિંગ રૂમ બનાવવા માટે હાકલ કરતા જિલ્લા સદસ્ય મકબુલ અભલી, તથા અબ્દુલ્લાહ ટેલરે આશરે ૪ લાખના ખર્ચે દીવાલ બનાવી આપવાની જાહેરાત કરતા ગામ લોકો ખુશ થઇ ગયા હતા.

N-19આ સમારંભનું આયોજન કરનાર સ્પોટ્‌ર્સ ક્લબ ટંકારીઆના સદસ્યો આરીફ બાપુજી, સાજીદ લાલન, ઉસ્માન લાલન, દિલાવર બશેરી, શૌકત બશેરી, અય્યુબ દાદાભાઈ, ઇશાક બશેરી, વગેરે એ ખડે પગે રહી સમારંભને ચાર ચાંદ લગાવી દીધા હતા.

આ સમગ્ર સમારંભનું આયોજન ટંકારીઆ ગામના સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામથી એ કર્યું હતું.