(એજન્સી) તા.રપ
મુસ્લિમોના આગામી પવિત્ર તહેવાર ઇદ-ઉલ-અઝહાના અવસરે ટોચના મુસ્લિમ મૌલવીઓ દ્વારા બુધવારે એક સંયુક્ત રાષ્ટ્રીય સ્તરે સલાહ-સૂચનોની યાદી બહાર પાડવામાં આવી હતી. આ વખતે કુરબાની કરવામાં આવવાની ઘણી મુશ્કેલીઓને સ્વીકારતાં મુસ્લિમ મૌલવીઓ અને નેતાઓએ અપીલ કરી છે કે મુસ્લિમ સમુદાયના તમામ લોકો તેમની એકમાત્ર અને મહત્વની જવાબદારી કુરબાની કરવાનું ન ભૂલે.
તેમણે કહ્યું કે તમારે એકબીજાને યોગ્ય રીતે કુરબાનીની વિધિ પૂરી કરવામાં મદદ કરવી પડશે અને યોગ્ય કાયદા કે નિયમ પ્રમાણે જ કુરબાની કરવી. મૌલવીઓએ કહ્યું છે કે મુસ્લિમ સમુદાયના લોકો કોઇપણ ભોગે રસ્તાઓ કે માર્ગો પર પશુઓની કુરબાની ના કરે, સ્વચ્છતા જાળવી રાખે અને ખાસ કરીને પાડોશીઓને હેરાનગતિ ન થાય તે રીતે એમાં પણ વધારે ધ્યાન એ રાખવું કે કોઇ બીજા ધર્મના લોકોને તેનાથી મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તેમાં કહેવાયું છે કે કોઇપણ સ્થિતિ હોય તમામ મુસ્લિમો કાયદો હાથમાં લેતાં બચે. લગભગ આ પ્રથમ વખત છે પરંતુ અગાઉ પણ કેટલાક ટોચના મૌલવીઓ સલાહ સૂચનોની યાદી બહાર પાડી ચૂક્યા છે. તાજેતરમાં કથિત ગૌરક્ષકો તથા કેન્દ્ર સરકાર દ્વારા કુરબાનીના હેતુસર પશુઓની લે-વેચ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવતાં તંગદિલી વધી હતી.
સલાહ સૂચનોની યાદી નીચે પ્રમાણે છે :
૧. આ વખતે કુરબાની કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે એ તમામ મુસ્લિમો જાણે જ છે. આ મુશ્કેલીઓ છતાં જે લોકો કુરબાની કરી શકે છે તેઓ ક્યારેય ન ભૂલે કે કુરબાની કરવી તેમની મહત્વપૂર્ણ જવાબદારી છે. તમારે એકબીજાને યોગ્ય કાયદા મુજબ કુરબાની કરવામાં આવે તે રીતે મદદ કરવાની રહેશે. દરેક લોકો યાદ રાખે કે આપણા પયગમ્બર સાહેબે કહ્યું હતું કે જે વ્યક્તિ કુરબાની કરવાને લાયક હોય અને તેમ છતાં ન કરે તે ઇદગાહથી દૂર જ રહે.
ર. કુરબાની કોઇ વિધિ કે રીત નથી આ તો પયમ્બર ઇબ્રાહીમ (અ.સ.)ની સુન્નત છે જે નબીએ અકરમ સ.અ.વ.એ અદા કરી હતી. મુસ્લિમો માટે કુરબાનીનું મહત્વ અપરંમપાર છે. તેને કોઇ વિકલ્પ સાથે રિપ્લેસ ન કરી શકાય. દરેકને દિન અને શરીયતને ધ્યાનમાં રાખી આ પરંપરા અદા કરવાની સૂચના અપાય છે. તમામ લોકો તકબીરનું પઠન કરે તેવી અમારી સલાહ છે.
૩. રોડ, ફૂટપાથ અને પગદંડી પર કુરબાની ન કરવામાં આવે, પાડોશીઓને પડતી મુશ્કેલીનું ખાસ ધ્યાન રાખજો. ખૂલ્લી જગ્યામાં કુરબાની કરવાનું ટાળજો. કુરબાનીનું લોહી સીધું જમીનમાં ઉતરી જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે. સ્વચ્છતા જાળવજો.
૪. શહેરો, મોહલ્લા અને વિસ્સ્તારોમાં સમૂહમાં કુરબાની કરવાની સલાહ છે. કોઇ એક મેદાન નક્કી કરો અને તમામ લોકો ત્યાં તેમના પશુઓ લઇને કુરબાની કરે તો સારું રહેશે.
પ. તમારા હાવભાવ અને વર્તન દ્વારા એવી કોઇ તક ન આપશો કે તમારી સામે પાડોશી કે કોઇપણ અન્ય ધર્મના લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવે. પોતાના પર કન્ટ્રોલ રાખશો. ગમે તેવી સ્થિતિ હોય કાયદો હાથમાં ન લેતા.
૬. કેટલાક વરિષ્ઠ અને ગંભીર નાગરિકોની સમિતિ બનાવો. આ સમિતિ તમામ લોકો પર નજર રાખશે. સ્થિતિ કાબૂમાં રાખશેે. તેમના નિરીક્ષણ હેઠળ જ કુરબાની થશે. આ સમિતિ તમામ સમુદાયના લોકોના સંપર્કમાં રહેશે અને કાયદો વ્યવસ્થા જાળવશે.
૭. અફવાઓ ન ફેલાવશો કે તેના પર ધ્યાન ન આપશો. જો કોઇ અફવા સાંભળો તો સમિતિનું ધ્યાન દોરજો અને ક્રોસ વેરીફાય કર્યા બાદ જ કોઈ જરૂરી પગલાં ભરજો. કુરબાનીના તમામ મસાઇલને ધ્યાનમાં રાખીને જ કુરબાની કરવી જોઈએ.
૮. અલ્લાહને યાદ કરજો અને છેલ્લે તમામને ઇદની શુભેચ્છા પાઠવજો અને દેશભરમાં તથા વિશ્વમાં તેની શાંતિથી ઉજવણી થાય તેવી દુવા કરજો.
સલાહ સુચનોની યાદી બહાર પાડવામાં સામેલ મૌલવીઓ :
• મૌલાના સૈયદ મોહમ્મદ રાબે હુસ્ની, પ્રેસિડેન્ટ, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ
• મૌલાના સૈયદ જલાલુદ્દીન ઉમરી, પ્રેસિડેન્ટ, જમાત-એ-ઇસ્લામી હિંદ
• મૌલાના સૈયદ મહેમૂદ મદની, જનરલ સેક્રેટરી, જમિયત-ઉલેમા-એ-હિંદ
• મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાની, સેક્રેટરી, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ
• નાવીદ હમીદ, પ્રેસિડેન્ટ, ઓલ ઇન્ડિયા મજલીસ-એ-મુશાવરાત
• મૌલાના અલી અસગર ઇમામ મહેદી- સેક્રેટરી જનરલ, મરકાઝી જમીયત-એહલે- હદીસ- હિંદ
• મૌલાના ખલીદ- રાશીદ ફિરંગી મહાલી, સભ્ય, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ
• મૌલાના યાસીન અખતર મિસ્બાહી, ફાઉન્ડર એન્ડ પ્રેસિડેન્ટ, દારૂલ કલામ, દિલ્હી
• મૌલાના કલ્બે જવાદ નકવી, સેનેટ મેમ્બર, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ